(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૪
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવે રાજકીય આલમમાં ચર્ચા જગાવી દીધી છે. ત્યારે આજે ગુજરાતની મુલાકાતે આવેલ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે કોંગ્રેસ ઉપર પસ્તાળ પાડતાં આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર ઉપર શું પ્રસ્તાવ રાખશે તે મહાભ્રષ્ટ પાર્ટી છે. ભાજપના સાંસદ અને પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને સતત ચર્ચા અને વિવાદમાં રહેતા ફાયર બ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવાને મામલે પોતાનો બળાપો કાઢતાં બેંક કૌભાંડ અંગે હૈયાવરાળ ઠાલવી હતી. અવિશ્વાસની દરખાસ્ત અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સ્વામીએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જામીન પર છે. ચિદમ્બરમે બહુ ગોટાળા કર્યા છે ત્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર શું પ્રસ્તાવ લાવી શકશે ? સબ્રમણ્યમ સ્વામીએ બેંક કૌભાંડોની વણઝાર અંગે હૈયાવરાળ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જાન્યુઆરી ર૦૧૭માં નીરવ મોદીને ત્યાં રેડ પાડી હતી. રેડની માહિતી ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં જ પડી રહી. આમ કહીને તેમણે ફાઈનાન્સ મિનિસ્ટ્રીને ટાર્ગેટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામી સરકારના કોઈને કોઈ ખાતાને ટાર્ગેટ કરતા રહે છે. અગાઉ તેઓ રઘુરામ રાજન પાછળ પડી ગયા હતા તે પછી તે વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પાછળ પડ્યા હતા. હાલમાં તેમણે ફાઈનાન્સ મિનિસ્ટ્રીને ટાર્ગેટ કરી છે.