(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.પ

કોરોના મહામારીને લીધે શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાની ચિંતા સતાવી રહી છે. કેમ કે ઓનલાઈન શિક્ષણ મેળવવામાં ઘણી તકલીફો પડતી હોવાથી કેટલાય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા  નથી. તો કેટલાક વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નહીં હોવાને લીધે તેઓ ઓનલાઈન અભ્યાસથી વંચિત રહી જાય છે. ત્યારે કોરોનાની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓના  હિતમાં રાજય સરકાર  દ્વારા ધો.૯થી ૧રના  અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓમાં તણાવ ઘટાડી શકાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧ માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે વિચારણા માટે ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે શિક્ષણ વિભાગના  અધિકારીઓની ઉપસ્થિતિમાં તા.ર૩-૭-ર૦ર૦, ર૦-૮-ર૦ર૦ અને ૧૧-૯-ર૦ર૦ના રોજ બેઠકો યોજાઈ હતી. તા.ર૯-૯-ર૦ર૦ના રોજ એસટીટીઆઈ, ગાંધીનગર ખાતે માનનીય શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને આ અંગે વિચારણા કરવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણવિદો, તેમજ જુદા જુદા વિષયના તજજ્ઞો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ  બેઠકોમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શકયું નથી. પરંતુ ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી અલગ અલગ માધ્યમો દ્વારા  કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સીબીએસઈ તેમજ અન્ય રાજયોના બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની રજૂઆતો મળી છે. સમગ્રતયા ઉંડાણપૂર્વકની વિચારણા કરીને કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના  હિતમાં રાજય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી. તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧ માટે ધોરણ-૯થી ૧રમાં અભ્યાસક્રમમાં અંદાજિત ૩૦ ટકા જેટલો ઘટાડો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓનો તનાવ ઘટાડલી શકાશે અને ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે. ધોરણ-૯થી ૧રના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડેલ છે. એટલે કે તે મુદ્દા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યા છે. તેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ આ મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ બાબત વર્ષ ર૦ર૦-ર૧ના શૈક્ષણિક વર્ષ માટે જ લાગુ પડશે. અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લીંક પ્રકરણો/ટોપીક રદ ન થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  કરવામાં આવશે. જેમાં ધોરણ-૯થી ૧રના વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલા પ્રકરણો મુદ્દાઓ તેમજ  અભ્યાસક્રમમાંથી રદ કરેલા પ્રકરણો/ મુદ્દાઓની વિગતો તમામ  જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર  ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ  શાળાઓને મોકલી આપવામાં આવશે આ વિગતો બોર્ડની વેબસાઈટ પર પણ મુકવામાં આવશે.