તા.૧૦ નવેમ્બરે ચૂંટણીનું પરિણામ • ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકીય પક્ષો પ્રચારના ધંધે લાગી ગયા

અમદાવાદ,તા.ર૯
મહામારીના સમયમાં એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે દુકાનો બંધ કરવાના સહિતના ચુસ્ત નિયમો લાગુ કરવાની સાથે તહેવારોની ઉજવણી ઉપર રોક લગાવી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવાના પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની વચ્ચે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. ત્યારે આ ચૂંટણીમાં કોરોના નડશે નહીં ? તેવો સવાલ ઉઠયો છે. જો કે ચૂંટણીપંચે ગુજરાતની આઠ બેઠકો માટે તા.૩ નવેમ્બરે મતદાન અને ૧૦ નવેમ્બરે મતગણતરીની જાહેરાત કરી દીધી છે. જો કે ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે જ આઠેય બેઠકો ઉપર આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીની જાહેરાતની સાથે આઠેય બેઠકો પર રાજકીય પક્ષો તેમનો પ્રચારના ધંધે લાગી ગયા છે.
ચૂંટણી પંચએ આજે અલગ-અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા-ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની ૮ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, ૯ ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી ૧૭ ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા ૧૯ ઓક્ટોબર છે. ૩ નવેમ્બરે તમામ ૮ બેઠકો પર મતદાન યોજાશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં વિધાનસભાની જે ૮ બેઠકો ખાલી પડી છે તેમાં સૌરાષ્ટ્રની ધારી, મોરબી, ગઢડા અને લીંબડી બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ડાંગ જ્યારે મધ્ય ગુજરાતમાં કરજણ બેઠક જ્યારે કચ્છની અબડાસા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવાર વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા અને જીત્યા હતા. જોકે, કૉંગ્રેસનો પંજો છોડી દીધો હતો. હવે ૩ નવેમ્બરે આ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે અને જેનું પરિણામ ૧૦ નવેમ્બરે જાહેર થશે. ગુજરાતમાં વિધાનસભાની અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર ચૂંટણી યોજાશે.

વિધાનસભાની પેટા ચૂંટણીની વિગતો
• તા.૧૬ ઓકટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
• તા.૧૭ ઓકટોબરે ઉમેદવારી ફોર્મની ચકાસણી
• તા.૧૯ ઓકટોબરે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે.
• તા.૩ નવેમ્બરે મતદાન
• તા.૧૦ નવેમ્બર મત ગણતરી.

કોરોનાની ગંભીર પરિસ્થિતિને લીધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટના દ્વાર ખટખટાવતાં આગામી દિવસોમાં સુનાવણી થશે

કોરોના મહામારીને લીધે દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લીધે સરકાર દ્વારા તહેવારોની ઉજવણી ઉપર રોક લગાવી દેવાયો છે. બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ત્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોરોનાને લીધે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મોકૂફ રાખવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. વિગતે વાત કરીએ તો હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ગંભીર રૂપ લઈ રહી છે. ત્યારે આવા કપરા કાળમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા ૬ મહાનગરપાલિકા, પ૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૧ તાલુકા પંચાયતની આગામી ઓકટોબર અને ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી યોજવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય ગ્યાસુદ્દી શેખ દ્વારા રાજય ચૂંટણી કમિશનરને રૂબરૂ મળી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક સ્વરાજયની ૂચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવા અપીલ કરી હતી અને જો ચૂંટણી મોકૂફ નહીં રખાય તો નાછુટકે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા પણ જણાવ્યું હતું. તેના અંતર્ગત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઈલેકશન કમિશન, ગુજરાત સરકાર સહિત અન્ય લોકો સામે રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફત પિટિશન કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં થશે એમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.