(એજન્સી) તા.૧૩
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)માં રશિયાની પ્રતિનિધિ મેલિટા વુજનોવિકે કહ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી ફાટી નીકળી તે પહેલા ઘણા સમયથી નોવેલ કોરોના વાયરસ નિષ્ક્રિય અવસ્થામાં હતો. એક ન્યૂઝ એજન્સીએ વુજનોવિકને ટાંકીને કહ્યું હતું કે, ડબ્લ્યુએચઓએ એક વિશાળ ટીમનું ગઠન કર્યું છે. જે ચીનના વૈજ્ઞાનિકો સાથે મળી આ વાયરસની ઉત્પતિનું વિશ્લેષણ કરશે. તેમણે કહ્યું હતું કે આ વાયરસ પ્રાણીઓમાં પહેલાથી હતો પરંતુ તે કયાં સમયે અને કયાં માનવીમાં પ્રવેશ્યો તે કહેવું મુશ્કેલ છે. જો કે આ અંગે તપાસ થઈ રહી છે. તેમણે આ પણ કહ્યું હતું કે વૈજ્ઞાનિકો અનેક સેમ્પલોનો અભ્યાસ કરી રહ્યા છે જો કોઈ ક્રાંતિકારી પરિણામ મળશે તો ડબ્લ્યુએચઓ તાત્કાલિક તેની જાહેરાત કરશે. ઓકસફર્ડ યુનિવર્સિટી ખાતે આવેલા સેન્ટર ફોર એવિડન્સ બેઝડ મેડિસિન (સીઈબીએમ)ના વરિષ્ઠ સંશોધક ટોમ જેફરસને પણ વુજનોવિકની ટિપ્પણી પર સંમતિ દર્શાવી હતી. જેફરસને કહ્યું હતું કે, હું વિચારૂં છું કે વાયરસ પહેલાંથી જ અહીં હતું. અહીંનો અર્થ છે દરેક જગ્યાએ, હવે આપણે એક એવા નિષ્ક્રિય વાયરસને જોઈ રહ્યા છીએ જે પર્યાવરણીય પરિસ્થિતિઓના કારણે સક્રિય થઈ ગયો છે.