(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૭
હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં અંકલેશ્વરના દરેક રાજકીય પાર્ટીના નેતાઓ તથા નગરપાલિકાના સભ્યો ભલે પછી એ સત્તાપક્ષના હોય કે વિપક્ષના હોય નાની-નાની બાબતે વિપક્ષ વિરૂદ્ધ કે સરકારની તરફેણમાં સ્વયંભૂ રીતે લોકોને મળીને પોતાને સોંપવામાં આવેલી કામગીરી બજાવે છે. પરંતુ જ્યારે આજે ખરેખર સાચા અર્થમાં કોરોના વાયરસના હાહાકારને પગલે જનતાને એમની જરૂર છે ત્યારે આ તમામ નેતાઓ ગાયબ છે.
અંકલેશ્વર નગરના નગરસેવકો આજે કોઈ જગ્યાએ ચહેરો બતાવતા નથી જ્યારે કે આજથી છ મહિના પછી એ લોકો એ જ લોકોની વચ્ચે આવું પડવાનું છે એ કદાચ હાલ ભૂલી ગયા છે. આ સમયે ખરેખર જન પ્રતિનિધિ તરીકે નાગરિકોને માર્ગદર્શન આપવાનો સમય છે અને કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય એ માટે નાગરિકોને વિનંતી કરવાનો છે. જો કે, મત માટે વિનંતી કરતા નગરસેવકો લોકોને આ બાબતે સમજાવવા માટે આગળ નથી આવી શકતા એક શરમજનક બાબત કહેવાય. ફક્ત ચેમ્બરમાં બેસીને કે પછી ઘરે બેસીને અંકલેશ્વર નગરપાલિકાના અધિકારીઓને હુકમો છોડતા આવા તમામ નગરસેવકોની સામે જનતામાં સવાલો ઉઠ્યા છે મત આપવા માટે પણ જો જનતા સેલ્ફ આઈસોલેશનમા જતી રહેશે તો આ તમામ બની બેઠેલા જનપ્રતિનિધિઓનું શું થશે એ બની બેઠેલા નગરસેવકોએ વિચારવું રહ્યું. એક જનપ્રતિનિધિની ફરજ અંકલેશ્વર નગરપાલિકાના નગરસેવકો ભૂલી રહ્યા છે જ્યારે કે સ્વયંસેવી સંગઠનો અને ખુદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર પણ પોતાની ફરજ આટલી બખૂબી નિભાવતાં હોય તો નગરસેવકોએ પણ સામે આવીને પોતાના વોર્ડ વિસ્તારમાં લોકોને ઘરે-ઘરે જઈને વોટ માંગવા જતા હોય એ જ રીતે કોરોના વાયરસની ભયાનકતાનો ખ્યાલ આપીને ઘરમાં રહેવા માટે સમજાવવાની જરૂર છે તો અંકલેશ્વરની દરેક રાજકીય પાર્ટીના નેતાઓ પણ આવી કપરી પરિસ્થિતિમાં જનતાને માર્ગદર્શન આપવાના બદલે ઘરમાં રોજિંદી વસ્તુઓ ભરી આરામ ફરમાવી રહ્યા છે. તો બીજી તરફ પોતાના માદરે વતન તરફ કૂચ કરતા શ્રમજીવીઓ માટે અંકલેશ્વરના દરેક સમાજના યુવાનો સેવાકીય ફરજ નિભાવી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ અને નગરસેવકોમાં સેવા યજ્ઞની નૈતિક હિંમત કોઈમાં દેખાતી નથી.