(એજન્સી) તા.૧૩
ચાર વર્ષથી મહારાષ્ટ્રની ભાજપ શાસિત સરકાર પોતાના બજેટોને ખેડૂતલક્ષી ગણાવે છે. ૨૦૧૬-૧૭નું વર્ષ ખેડૂતોને સમર્પિત કરવા સુધી બજેટ રહ્યંુ હતું. શુક્રવારે આ વખતે રજૂ કરેલ બજેટ પણ કોઇ અસામાન્ય નથી. તેના તદ્દન વિરોધાભાસમાં આજે નાસિકથી ૨૦૦ કિ.મી. જેટલી પદયાત્રા કરીને હજારો ખેડૂતો મુંબઇ કૂચ કરી આવ્યા હતા. તેમનામાં રોષ સ્પષ્ટપણે જોવા મળતો હતો. તેમનું કહેવું છે કે તેમને દગો કરવામાં આવ્યો છેે.
સરકારે દેવા માફીની તેની ખાતરીની પૂર્તતા કરી નથી. મહારાષ્ટ્ર સરકાર અત્યારે અત્યંત ગંભીર નાણાકીય સ્થિતિમાં છે. તેનું વધતું જતું દેવું સર્વાધિક છે. આગામી નાણાકીય વર્ષના અંતે મહારાષ્ટ્ર સરકારનું દેવું ૪.૬૧ લાખ કરોડને આંબી જશે. જ્યારે તેણે ૨૦૧૪માં કોંગ્રેસ-એનસીપી સરકાર પાસેથી કાર્યભાર સંભાળ્યો ત્યારે તેનું દેવું રૂા.૨.૯૪ લાખ હતું. અત્યાર સુધી સરકાર એવો આગ્રહ રાખી રહી છે કે રાજ્યની કુલ ઘરેલુ ઉત્પાદનના ૧૬.૬ ટકા જેટલુ દેવું છે જે ૧૪માં નાણાકીય પંચ દ્વારા નિર્ધારીત ૨૨.૨ ટકાની મર્યાદાની અંદર છે.
જો કે બજેટ બુક સરકારી ખર્ચ પર કઇ રીતે કાપ મૂકી રહી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે. અદ્યતન બજેટમાં સરકારે પોતાના કુલ મૂડી ખર્ચના માત્ર ૯.૯ ટકા ખર્ચ જ નવા વિકાસ કાર્યો માટે ફાળવેલ છે. સરકારનું નાણાનું વ્યવસ્થાપન એટલંુ નબળું છે કે તેની મોટા ભાગની બજેટ ફાળવણીનો ખર્ચ કરવામાં આવતો નથી. સરકારના આંકડા દર્શાવે છે કે તે કુલ બજેટના માત્ર ૪૪ ટકા જ ઉપયોગ કરી શકી છે. આમ મહારાષ્ટ્ર સરકારનું બજેટ જોતા ખેડૂતો રોષે ભરાય તે સ્વાભાવિક છે કારણ કે આ બજેટ ખેડૂતોને ગુસ્સે કરે એવું જ છે.