(એજન્સી) મુંબઇ, તા.૩૦
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાનપદે ચાલુ રહેવા સામે સર્જાયેલી અનિશ્ચિતતાનો અંત આણતા એક પગલારૂપે રાજ્યપાલે ચૂંટણી પંચને ગુરૂવારે એક પત્ર પાઠવ્યો છે અને કોરોના વાયરસ મહામારી સામે સાવચેતી રાખીને રાજ્ય વિધાન પરિષદ (એમએલસી)ની ખાલી પડેલી ૯ બેઠકની વહેલામાં વહેલી તકે ચૂંટણીઓ યોજવાનો અનુરોધ કર્યો છે. રાજ્ય વિધાન પરિષદની આ ૯ બેઠક ૨૪મી એપ્રિલથી ખાલી પડેલી છે. રાજ્યપાલ કોશ્યારીનું આ પગલું ઉદ્ધવ ઠાકરે માટે રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યાના એક દિવસ બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને પત્ર પાઠવ્યો છે. વડાપ્રધાન મોદી સાથે ફોન પરની વાતમાં ઉદ્ધવ ઠાકરેએ તેમની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો વિશે ફરિયાદ કરી હતી. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપ નહીં લાવનાર ઉદ્ધવ ઠાકરેએ પોતાનો હોદ્દો જાળવી રાખવા માટે રાજ્ય વિધાન પરિષદના સભ્ય હોવાનું જરૂરી છે. ૨૭મી મે ના રોજ તેમની છ મહિનાની મુદ્દત પુરી થવાની છે. ઉદ્ધવ ઠાકરે વિધાનમંડળમાં ચૂંટાયા નહીં હોવાથી શું તેઓ રાજ્યના મુખ્ય પ્રધાનપદે ૨૭મી મે પછી પણ ચાલુ રહેશે કે કેેમ ? તેના વિશે રાજકીય વર્તૂળોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે. નોંધનીય છે કે જો મહારાષ્ટ્રના રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને નોમિનેટ નહીં કરે તો બંધારણી સંકટ સર્જાઇ શકે છે અને ઉદ્ધવ ઠાકરેને રાજ્યના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે. રાજ્ય કેબિનેટે ૯મી એપ્રિલ બાદ ૨૮મી એપ્રિલે ઉદ્ધવ ઠાકરેને નોમિનેટ કરવાના સંદર્ભમાં રાજ્યપાલને સ્મરણ પત્રો મોકલ્યા હતા પરંતુ રાજ્યપાલ કોશ્યારી તરફથી તેનો કોઇ જવાબ હજી સુધી આવ્યો નથી. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે ૨૮મી નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા. મહારાષ્ટ્ર કેબિનેટે સોમવારે મોકલેલા પ્રસ્તાવમાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં કોરોના વાયરસ સંકટનો સામનો કરી રહ્યા છે. આ મહામારી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં વધી રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યમાં રાજકીય અસ્થિરતા સર્જાવી જોઇએ નહીં. તેથી વિધાન પરિષદની એક ખાલી સીટ પર ઉદ્ધવને નોમિનેટ કરવાની ભલામણ કરવામાં આવે છે.