(એજન્સી) તા.ર૮
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યના સાંગલીમાં એક જ પરિવારના ર૦ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ પરિવારના ૪ લોકો ઉમરાહ કરીને પરત ફર્યા હતા. આ પરિવારના ઘરમાં કામ કરતાં ત્રણ મજૂર પણ કોરોના પીડિત થઈ ગયા છે. માહિતી મુજબ આ ચારેય લોકો લગ્નમાં પણ ગયા હતા. આ ચાર લોકો જ્યાં જ્યાં ગયા હતા ત્યાંના લોકોને ક્વોરોન્ટાઈન કરી તેની તપાસ કરવામાં આવી રહી છે તેનાથી વધુ લોકોનાં પીડિત થવાનું જોખમ વધી ગયું છે. સાંગલીમાં હવે કોરોના વાયરસના ર૩ દર્દી થઈ ગયા છે. આ પહેલાં શુક્રવારે સાંગલીમાં ૧૦થી વધુ કેસ સામે આવ્યા હતા.
શનિવારે મહારાષ્ટ્રમાં કુલ ૬ નવા કેસ આવ્યા છે ત્યારબાદ રાજ્યમાં પીડિત લોકોની સંખ્યા ૧પ૯ થઈ ગઈ છે. ત્યાં ગુજરાતમાં પણ ૬ નવા કેસ સામે આવ્યા છે અને જેનાથી કોરોના દર્દીઓની સંખ્યા પ૩ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં પીડિત લોકોની કુલ સંખ્યા ૮૭૩ થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશમાં ૧૯ લોકોનાં મોત થયા છે. જ્યારે ૭૮ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
સાંગલીના જિલ્લા અધિકારી ડૉ.અભિજીતે જણાવ્યું કે, આ પરિવાર સાથે જોડાયેલા ૪૭ લોકોને પહેલાં જ ઓળખીને બધાને ક્વોરોન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. પીડિત લોકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંકટના ઉકેલ માટે મોદી સરકારે ૧ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. સરકાર વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ લોકડાઉનથી પ્રભાવિત ગરીબ વર્ગના લોકોની મદદ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના ૮૦ કરોડ ગરીબોને દર મહિને ૬ કિલો વધારાનું રાશન મફતમાં પણ આપવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી પ કિલો ઘઉં અથવા ચોખા પ્રતિ ગરીબ વ્યક્તિને સબસિડી પર ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા, હવે પ કિલો રાશન વધુ મળશે. દેશના ૮૦ કરોડ ગરીબોને જૂન મહિના સુધી ૧૦ કિલો સરકારી રાશન મળશે.