મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે ગયા મહિને જાહેર કરાયેલા લોકડાઉનને હવે ૩૦મી એપ્રિલ સુધી લંબાવી દેવાયું છે. તેમણે કહ્યું કે, બાદમાં કેટલીક છૂટછાટ અપાશે પરંતુ તે રાજ્યના લોકોના વર્તન પર આધાર રાખશે. રાજ્યના લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, એપ્રિલ ૧૪થી ઓછામાં ઓછું ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. કોઇક સ્થળે અમે લોકડાઉનમાં રાહત આપી શકીએ પરંતુ તે બાદમાં જાહેર કરાશે. આ બધું લોકડાઉન દરમિયાન તમારા વર્તન પર આધાર રાખે છે. જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે ભીડ ના કરો. દરમિયાન ઘરમાંથી જ કામ કરો. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરનારા ૧૩ મુખ્યમંત્રીઓમાં ઉદ્ધવ ઠાકરે સામેલ હતા જેમાં ૧૪મી એપ્રિલ પછી લોકડાઉન વધારવા અંગે ચર્ચા થઇ હતી. ઉદ્ધવે કહ્યું કે, કોન્ફરન્સમાં મને લોકડાઉન વિશે પૂછાયું ત્યારે મેં કહ્યું કે, ૧૪મી એપ્રિલ પછી પણ લોકડાઉન ચાલુ રાખવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો બહાર આવ્યા છે અને હાલ ત્યાં સંક્રમિત લોકોની સંખ્યા ૧૬૦૦ને પાર જતી રહી છે.