(એજન્સી) મુંબઇ,તા.૧૫
મહારાષ્ટ્રમાં સતત વધતા કેસ વચ્ચે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં મુંબઈ સહિત હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન લંબાવવામાં આવ્યું છે તેમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન, પુણે, સોલાપુર, ઓરંગાબાદ અને માલેગાવનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે.
મહત્વનું છે કે, આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ સ્થાનો પરથી પ્રતિબંધ હટાવવા અંગે ચર્ચા થઈ હતી. મુંબઈ સહિતના જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાં સતત વધતા આંકડાને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશમાં ચાલી રહેલા ત્રીજા લોકડાનનો ૧૭મે અંતિમ દિવસ છે આ પછી જાહેર કરવામાં આવશે તે લોકડાઉનમાં કેટલાક ફેરફાર સાથે છૂટછાટમાં વધારો કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં સતત ૯ દિવસથી એક હજાર કરતા વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા રહ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૭,૫૨૪ પર પહોંચ્યો છે જ્યારે એકલા મુંબઈમાં કેસ ૧૫,૭૩૯ પહોંચ્યો છે અને ૬૨૧નાં મોત થઈ ગયા છે જ્યારે રાજ્યમાં ૧૦૧૯નાં મોત થઈ ગયા છે. મુંખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં થયેલી બેઠકમાં પ્રદેશના ઉપમુખ્યમંત્રી અજિત પવાર, પાણી પુરવઠા મંત્રી જયંત પાટિલ, શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે, ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ, રાજ્યમંત્રી બાલાસાહેબ થોરાટ અને લોક નિર્માણ વિભાગના મંત્રી અશોક ચવ્હાણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં હાજર રહ્યા હતા.