મુંબઇ,તા.૨૧
રાષ્ટ્રપતિ શાસન હેઠળના મહારાષ્ટ્રમાં નવી ત્રિપક્ષિય ગઠબંધન વાળી નવી સરકારનું પિંડ બંધાઇ ચૂક્યું છે. અને શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રીપદ હેઠળ એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર બનવા જઇ રહી છે. આવતીકાલે શનિવારે ત્રણેય પક્ષના નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને નવી સરકાર રચવા માટે જરૂરી તમામ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવાના પૂરાવા આપીને તેમને સરકાર રચવાનું આમંત્રણ આપે તેવી વિનંતી કરે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ કહ્યુ કે નવી દિલ્હીમાં નવી સરકારના પિંડને આકાર આપ્યા બાદ હવે તેને કાર્યરત કરવાની રાજિય પ્રક્રિયા માટે તખ્તો મુંબઇ ખસેડાયો છે. કોંગ્રેસનના અહમદ પટેલ સહિતના નેતાઓ આજે મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં તેઓ એનસીપીને સાથે રાખીને શિવસેનાની સાથે નવી સરકારમાં સત્તાની વહેંચણીને આખરી ઓપ આપીને રાજ્યપાલને મળવા માટેનો સમય માંગવામાં આવશે. સંભવતઃ ત્રણેય પક્ષોના નેતાઓ આવતીકાલ શનિવારે રાજ્યપાલને મળે તેમ છે. જો કે સમયનો સમગ્ર આધાર રાજભવન અને દિલ્હી પર છે.
દરમ્યાન, શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાના પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજીને ૨૫ વર્ષ જૂના ભાજપ સાથે કેમ દૂર થવુ પડ્યું તેના માહિતી અને કારણો આપીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને કેમ સરકાર રચવા જઇ રહ્યાં છીએ તેનાથી માહિતગાર કર્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘તમારે સમજવું પડશે કે અમે અમારા ૨૫ વર્ષ જુના મિત્રનો સાથ કેમ છોડી દીધો, તે અમારી સાથે જૂઠું બોલી રહ્યા હતા. તમે બધાએ જોયું છે કે તેઓએ છેલ્લા વર્ષોમાં આપણને શું કહ્યું અને આપણી સાથે શું કર્યું. શિવસેના પ્રમુખે તેમના ધારાસભ્યો સાથે કોંગ્રેસ અને એનસીપી સાથે જવા વિશે વાત કરતાં કહ્યું કે’ હવે અમે નવા જોડાણ સાથે જઈ રહ્યા છીએ, તેમાં છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. જે આજે સાંજ સુધીમાં ફાઈનલ થઈ જશે. જોકે, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તેઓ બનશે કે કોણ બનશે તેનો કોઇ ફોડ બેઠકમાં પાડ્યો નહોતો. અલબત્ત, ધારાસભ્યોની સતત માંગ છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ સંભાળવું જોઈએ. જેના પર તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે તે યોગ્ય સમયે નિર્ણય લેશે. શિવસેનાના ધારાસભ્ય જાધવે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે જે કંઈપણ નિર્ણય લેશે તે તમામ ધારાસભ્યોને માન્ય રહેશે. અમે ઈચ્છીએ છે કે ઉદ્ધવજી અથવા આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બને. સૂત્રોના કહેવા પ્રમાણે, નવા ગઠબંધનમાં મુખ્યમંત્રી પદ શિવસેનાના ખાતામાં જઈ રહ્યું છે, કોંગ્રેસ અને એનસીપી ડેપ્યુટી સીએમપદ મેળવી શકે છે. આ સિવાય હમણાં ત્રણેય પક્ષો મંત્રાલય ઉપર મંથન કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી પદ માટે ૧૪-૧૪-૧૪ ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ રીતે, ઠાકરે પરિવાર મહારાષ્ટ્રના રાજકારણમાં હવે કિંગમેકરને બદલે કિંગ બનવા જઇ રહ્યો છે. શરદ પવાર જેવા રાજકારણીઓ સાથે સરકારને સુમેળમાં રાખવું અને ભાજપ જેવા મજબૂત વિરોધને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેના માથા પર કાંટાળા તાજથી ઓછુ નહીં હોય!
મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી સરકાર બનાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ વધારીને ચૂંટણી લડી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભાજપ સાથેના સંબંધના અંત પછી શિવસેના હવે તેના રાજકીય વિરોધી પક્ષો – કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી રહી છે. આ રીતે, ઠાકરે પરિવાર મહારાષ્ટ્રના રાજકારણમાં કિંગમેકરને બદલે રાજા બનવા જઇ રહ્યો છે. શરદ પવાર જેવા રાજકારણીઓ સાથે સરકારને સુમેળમાં રાખવું અને ભાજપ જેવા મજબૂત વિરોધને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેના માથા પર કાંટાના તાજથી ઓછા નહીં હોય!

શરદ પવારે ‘રાજકારણના ચાણક્યને માત આપી’ : ભાજપ સામે એનસીપી નેતાના પ્રહાર

મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાની મંત્રણાઓના કેન્દ્રમાં રહેલા શરદ પવારે ‘ભારતીય રાજકારણના કહેવાતા ચાણક્યને માત આપી છે’ હોવાનું એનસીપીના એક વરિષ્ઠ નેતાએ શુક્રવારે જણાવ્યું છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કોઇનું નામ આપ્યું નથી પરંતુ તેમની આ ટિપ્પણીને વ્યાપક રીતે ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરફ સીધી રીતે ઇશારા તરીકે જોવામાં આવી રહી છે. દેશમાં યોજાયેલી વિભિન્ન ચૂંટણીઓમાં ભાજપના વિજય અને સરકારની રચનાઓમાં અમિત શાહની ભૂમિકા મહત્વની રહી છે. નવાબ મલિકે પોતાના ટિ્‌વટમાં લખ્યું છે કે આખરે ભારતીય રાજનીતિના કહેવાતા ચાણક્યને પવાર સાહેબે માત આપી દીધી છે, દિલ્હીનું સિંહાસન મહારાષ્ટ્રને તેની સામે ઝુકાવી ના શક્યું, જય મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૭૯ વર્ષીય શરદ પવારે ગત સપ્તાહે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે બેઠક યોજી હતી. તે ઉપરાંત તેમણે શિવસેનાના નેતાઓ સાથે પણ ઘણી બધી બેઠકો યોજી હતી. ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ગુરૂવારે મોડી રાત્રે મુંબઇ એનસીપીના વડા સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠકને કારણે રાજકીય ગણગણાટ શરૂ થઇ ગયો હતો. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી. ભાજપને ૧૦૫ સીટ અને શિવસેનાને ૫૬ સીટ પર વિજય હાંસલ થયો હતો. ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉદ્‌ભવ્યો હતો પરંતુ શિવસેના સાથે સત્તાની ખેંચતાણ બાદ સરકારની રચના કરવાની સ્પર્ધામાંથી ભાજપ બહાર નીકળી ગયો હતો.