(એજન્સી) મુંબઇ, તા. ૨૦
મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોના મોબ લિંચિંગની ઘટના સર્જાયાના ત્રણ દિવસ બાદ આ ક્રૂર હુમલાના વીડિયો ફૂટેજ બહાર આવતા ભાજપના નેતાઓ અને હિન્દુત્વના કાર્યકરો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યા છે. ભાજપના નેતાઓ અને હિન્દુત્વના કાર્યકરો કથિત હત્યામાં ભોગ બનેલાઓ હિન્દુ હોવાથી તેને ખુશામતખોરીના રાજકારણનો એક ભાગ ગણાવી રહ્યા છે. ૧૬મી એપ્રિલની મોડી સાંજે ફોર્ડ ઇકોસ્પોર્ટમાં જઇ રહેલા ત્રણ લોકોની પાલઘરમાં ૭૦-૮૦ લોકોના એક ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી. પાલઘર પોલીસે એવો દાવો કર્યો છે કે ભોગ બનેલા ત્રણે લોકો પશ્ચિમ મુંબઇના કાંદીવલીથી સિલવાસા જઇ રહ્યા હતા અને એક ગામમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને અટકાવીને ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આ હત્યાના બધા આરોપીઓ પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના સ્થાનિક આદિવાસીઓ છે. આ ઘટનાની તપાસ કરી રહેલા કાસા પોલીસ મથકે એવો દાવો કર્યો છે કે સ્થાનિક લોકો કે ગ્રામવાસીઓ ભૂલથી તેમને ચોર સમજ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. ટોળાના હુમલામાં માર્યા ગયેલાઓમાં ૭૦ વર્ષીય કલ્પવૃક્ષગિરી, ૩૫ વર્ષીય સુશીલ ગિરી અને નિલેશ તેલગડેનો સમાવેશ થાય છે.