(એજન્સી) તા.૧૪
મહારાષ્ટ્રમાં એક કથિત તરફદારીની ઘટનામાં એવો ઘટસ્ફોટ થયો છે કે તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિતે નાગપુર પોલીસની માલિકીની છ એકર જમીન ગેરકાયદે પચાવી પાડી હતી અને તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ સમગ્ર ઘટનાથી વાકેફ હોવા છતાં તેમણે તે જમીનને કાયદેસર કરી આપી હતી.
નેશનલ હેરાલ્ડ પાસે ઉપલબ્ધ રેવન્યુ રેકોર્ડ અનુસાર ફડણવીસે તે ગેરકાયદે જમીનને કાયદેસર કરી આપવામાં નાગપુર હાઇકોર્ટના ચુકાદાની પણ ઉપેક્ષા કરી હતી એટલું નહીં પરંતુ તેમણે તો તે જમીનની સ્ટેમ્પ ડ્યુટીની રકમ પણ માફ કરી દીધી હતી. સરકારી નિયમ મુજબ જ્યારે કોઇપણ જમીનની ખરીદી કે વેચાણ થાય ત્યારે પ્રત્યેક નાગરિકે સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજિયાત છે પરંતુ ફડણવીસે આ કિસ્સામાં તે નિયમને પણ અભરાઇ ચઢાવી દીધો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે પુરોહિતે આ જમીનને કાયદેસર કરી આપવા ૨૦૦૧ની સાલમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે તેમની અરજીને પણ ફગાવી દીધી હતી.
શ્રી રામદેવબાબા કોલેજ ઓફ એન્જિનિયરિંગનું સંચાલન કરતાં રામદેવબાબા સમિતિ ટ્રસ્ટના ચેરમેન બનવારીલાલ પુરોહિતે સૌ પ્રથમ ૧૯૮૦ની સાલમાં તે જમીન ઉપર કબ્જો તેમનો હોવાનો દાવો કર્યો હતો. આ જમીન આંચકી લેવા તેમણે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તે જમીન માટે સરકારની મંજૂરી મેળવી શક્યા નહોતા.
વાસ્તવમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે સૌથી આગળ રજૂ કરવામાં બનવારીલાલ પુરોહિતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને તેમના સહિયારા પ્રયાસોથી ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બની ગયા હતા ત્યારબાદ બનવારીલાલના ઉપકારનો બદલો વાળવા ફડણવીસે તેમને ભેટમાં આ કરોડો રૂપિયાની જમીન આપી હતી એમ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આ જમીન વાસ્તવમાં નાગપુર પોલીસની માલિકીની હોવાથી તે તદ્દન નિર્જન હાલતમાં પડી રહી હતી ને પુરોહિતની કોલેજ આ જમીનની બરાબર બાજુમાં આવેલી છે તેથી તે જમીન ઉપર કબ્જો જમાવી લેવો તેમના માટે ઘણો સરળ હતો એમ મહારાષ્ટ્રના એક વકીલ અને સામાજિક કાર્યકર સતિશ ઉકેએ કહ્યું હતું.