(એજન્સી) મુંબઇ, તા. ૨૦
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પુષ્ટી કરી છે કે, રાજ્યના પાલઘરમાં ત્રણ લોકોની હત્યામાં કોઇ કોમવાદી વળાંક નથી. દેશમુખની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બે સાધુ સહિત ત્રણ લોકોના લિંચિંગને કેટલાક કટ્ટરવાદી લોકો જાણીજોઇને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમુખે આ અંગે ટિ્‌વટર પર લખ્યું કે, ‘‘જે લોકોએ હુમલો કર્યો છે અને જે લોકો માર્ગ પર મોતને ભેટ્યા હતા તેઓ જુદા-જુદા ધર્મના નથી. સમાજમાં કોમવાદી તંગદીલી ભડકાવવાનો પ્રયાસ કરનારા લોકો વિરૂદ્ધ આકરા પગલાં લેવાની પોલીસને કડક સૂચના અપાઇ છે.’’
મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું કે, મુંબઇથી સુરત જવાના માર્ગમાં ત્રણ લોકોના લિંચિંગથી હત્યા કરી દેવાની ઘટનામાં અત્યારસુધી ૧૧૦ લોકોની ધરપકડ કરાઇ છે. આ લોકોની ચોરીની શંકામાં હત્યા કરી દેવાઇ છે. વિવાદાસ્પદ મુદ્દો બનાવી સમાજમાં કોમી તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરનારા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખશે. ગુરૂવારે ચોરીની શંકામાં મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોના લિંચિંગમાં હત્યા કરાયા બાદ ટિ્‌વટર પર ટિપ્પણીઓનો રાફડો ફાટ્યો હતો. પાલઘરમાં ત્રણ લોકોને કારમાંથી ખેંચીને બહાર લાવી ટોળા દ્વારા ક્રૂર રીતે હત્યા કરી દેવાઇ હતી. પોલીસે નવ કિશોરો સહિત ૧૧૦ ગામલોકોની આ ઘટનામાં ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર ટોળા દ્વારા પીડિતો પર ક્રૂર રીતે હુમલો કરવાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

પાલઘર લિંચિંગ : ફરજમાં બેદરકારી બદલ બે પોલીસકર્મી સસ્પેન્ડ; ૧૧૦ લોકોની ધરપકડ

(એજન્સી) મુંબઇ, તા. ૨૦
મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ લોકોની લિંચિંગ દ્વારા હત્યાની ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ સોમવાારે બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે એક અંતિમવિધિમાં હાજરી આપવા માટે ૧૬મી એપ્રિલે મુંબઇના કાંદિવલીમાં રહેતા ત્રણ લોકો કાર દ્વારા ગુજરાતના સૂરતમાં જઇ રહ્યા હતા. તેમના વાહનને પાલઘરના એક ગામમાં રોકવામાં આવ્યું હતું. ત્રણેય લોકોને ચોરીની શંકામાં ટોળા દ્વારા કારમાથી બહાર ઢસડી લવાયા અને લાકડીઓ વડે ક્રૂર માર મારવામાં આવ્યો હતો. પાલઘરના કલેક્ટર ડૉ. કૈલાશ શિંદેએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ઘટનાના દિવસે પોલીસની ભૂમિકાની તપાસ થઇ રહી છે અને લોકડાઉન દરમિયાન મુંબઇથી ત્રણ લોકો કેવી રીતે પ્રવાસે નીકળી પડ્યા હતા તેની પણ તપાસ થશે. તપાસને પગલે પાલઘર એસપી ગૌરવ સિંહે કાસા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર આનંદરાવ કાલે અને સબ-ઇન્સપેક્ટર સુધીર કટારેને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. આ ઘટનામાં કાસા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ દાખલ થઇ છે અને ૧૧૦ લોકોની ધરપકડ કરાઇ છે જેમને ૩૦મી એપ્રિલ સુધી રિમાન્ડ પર મોકલી દેવાયા છે. નવ કિશોરોને અટકાયતમાં લેવાયા હતા અને તેમને પાડોશી થાણે જિલ્લાના ભિવંડીમાં હોમ રિમાન્ડ પર રાખ્યા છે.