(એજન્સી) ગડચિરોલી, તા.૬
લાલ આતંકનો સફાયો કરવા માટે પોલીસે ઘણાં દિવસોથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ ઓપરેશન હેઠળ જ બુધવારે સવારે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે નકસલીઓ સાથેની અથડામણ દરમ્યાન ૭ નકસલીઓને ઠાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ઠાર કરાયેલા આ નકસલીઓમાં પાંચ મહિલા નકસલીઓ પણ સામેલ છે. ગત કેટલાક મહિલાઓથી નકસલીઓ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કિસિરોચા પાસ ઝિંગાનુર ઉપપોલીસ સ્ટેશનને અંતર્ગત કલ્લેડ જંગલમાં નકસલીઓનો કેમ્પ શરૂ થયો હોવાની જાણકારી મળી હતી. જાણકારી મળતા જ ૯૬૦ કમાન્ડર મોતીરામ મડાવીના નેતૃત્વવાળી ટીમ એલર્ટ થઈ ગઈ અને કાર્યવાહી માટે આગળ વધી. આ દરમ્યાન સવારે નકસલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે જવાબ આપતા એક-એક કરીને સાત નકસલીઓને ઠાર કરી દીધા. દરેક નકસલીઓના મૃતદેહને કબજે કરી લેવામાં આવ્યો છે. મૃતકોમાં પાંચ મહિલા તથા ર પુરૂષો સામેલ છે. તેમની પાસેથી મોટા પાયે વિસ્ફોટક સામગ્રીઓને જપ્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. મૃતદેહોને પોલીસ મુખ્યાલયમાં લાવવાની તૈયારી પણ ચાલી રહી છે. મૃતકોમાં નકસલીઓના વરિષ્ઠ કમાન્ડર હોવાની પોલીસને આશંકા છે. ઉલ્લેખનીય છે કે એડીજી અને આઈજીએ ગડચિરોલીમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. એડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ ડી.કનકરત્નમ તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ શરલ શેલારે ક્ષેત્રનું નિરીક્ષણ કરીને તેના પર બારીકાઈથી નજર રાખી અને પોતાની ટીમનું માર્ગદર્શન કર્યું. આજે તેમના માર્ગદર્શનથી જ ૭ નકસલીઓનો ખાત્મો કરવામાં સફળતા મળી છે.