(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોરોના વાયરસને વધુ ફેલાતા અટકાવવાના એક પ્રયાસરૂપે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ એપ્રિલના અંત સુધી લોકડાઉન લંબાવનારા લેટેસ્ટ રાજ્યો બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શનિવારે સવારે વીડિયો કોન્ફરન્સ યોજાયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ૩૦મી એપ્રિલ સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાના તેમના નિર્ણયની જાહેરાત કરી હતી. દરમિયાન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ જણાવ્યું છે કે રાજ્યમાં ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવામાં આવશે. મમતા બેનરજીએ એવું પણ કહ્યું કે રાજ્યમાં ૧૦મી જૂન સુધી શાળાઓ કે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. અમે લોકડાઉનની બાબતમાં અલગ હોઇશું નહીં. અમે પણ બંગાળમાં ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવીશું અને ૩૦મી એપ્રિલ આવે તે પહેલા પરિસ્થિતિની સમીક્ષા કરીશું.