(એજન્સી) મુંબઈ, તા.૧૭
ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર શ્રીયાદ છિંદમ દ્વારા છત્રપતિ શિવાજી વિશે અભદ્ર ભાષામાં અપમાનજનક ટિપ્પણી કરતાં મહારાષ્ટ્રના બે શહેરોમાં હિંસા ભભૂકી ઉઠી છે. ડેપ્યુટી મેયર શ્રીયાદના શિવાજી વિશે ઉચ્ચારેલા અપશબ્દોના પગલે મહારાષ્ટ્રના અહમદનગર અને પુણેમાં તંગદિલી ફેલાઈ છે. ડે.મેયર શ્રીયાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્રીયાદ નગરપાલિકાના એક કર્મચારીને ધમકાવીને છત્રપતિ શિવાજી વિશે અપમાનજનક વાતો કહેતા નજરે પડે છે. આ વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે અહમદનગરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. અહેવાલ મુજબ ૧૯ ફેબ્રુ.ના રોજ મરાઠી રાજા છત્રપતિ શિવાજીની જયંતી છે. સમગ્ર રાજ્યમાં શિવાજી જયંતીની ઉજવણીની પૂરજોશ તૈયારી ટાણે આ વીડિયો વાયરલ થતાં અહમદનગરની સાથે જ પુણેમાં પણ ભાજપ નેતાના આ નિવેદનથી ખૂબ બબાલ થઈ. પુણેમાં પણ હિંસક પ્રદર્શનના અહેવાલો મળ્યા છે. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ શ્રીયાદ છિંદમને ડેપ્યુટી મેયર પદ પરથી બરતરફ કરી મૂકયા છે અને અહમદનગર પોલીસે છિંદમની ધરપકડ કરી છે. જાણવામાં આવ્યું હતું કે, શ્રીયાદ છિંદમે પોતાના સ્ટાફ પાસે ફોન પર કેટલાક અધૂરા કાર્યોની માહિતી માંગી, સ્ટાફની વાત સાંભળીને તેઓ રોષે ભરાયા હતા અને તેને ફોન પર અપશબ્દો બોલવા લાગ્યા. સ્ટાફ અને છિંદમની આ વાતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો ત્યારબાદ લોકો હિંસક બન્યા હતા અને છિંદમ વિરૂદ્ધ પ્રદર્શન કર્યા હતા. અહેવાલ મુજબ શિવસેનાના પ્રદર્શનકારીઓએ ધારાસભ્યના નેતૃત્વ હેઠળ છિંદમના ઘર સિવાય અહમદનગર ખાતેની તેમની નગરપાલિકાના કાર્યાલય, દિલ્હી ગેટ ખાતે અંગત કાર્યાલય અને શહેરમાં છિંદમના હોટલને નિશાન બનાવીને તેમના રાજીનામાની માંગ કરી હતી. શિવસેનાએ છિંદમ વિરૂદ્ધ અહમદનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.