(એજન્સી) તા.૩૦
કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રવિવારે પ૧ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જારી કરી છે. પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણને ભોકર બેઠકથી ચૂંટણી મેદાનમાં ઊતાર્યા છે. પાર્ટીએ ર૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં જીતવામાં આવેલી ૪ર બેઠકોમાંથી ર૩ પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં થયેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામોને પરવાનગી આપ્યા પછી ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. અશોક ચવાણની પત્ની અમિતા શર્મા ચવાણ ભોકરથી વર્તમાન ધારાસભ્ય છે. તેમણે ર૦૧૪માં ચવાણના લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા પછી પોતાની પ્રથમ ચૂંટણી લડી હતી. રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી મુજબ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિજય બાલાસાહેબ થોરાટને સંગમનેરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અમિતને લાતુર બેઠકથી ટિકિટ આપવામાં આવી છે, ત્યાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેની દીકરી પ્રણિતી સોલાપુર શહેર (મધ્ય) સીટથી ચૂંટણી લડશે. પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન રાઉતને નાગપુર ઉત્તર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં મુંબઈની નવ બેઠકો પણ સામેલ છે. કોંગ્રેસે પોતાના વર્તમાન વિધાન પરિષદ સભ્ય (એમએલસી) અશોક ઉર્ફ જગતાપને મુંબઈમાં કોલાબા બેઠકથી ટિકિટ આપી છે. કોંગ્રેસની નવી પેઢીના નેતાઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. વર્તમાન એમએલસી સતેજ પતલીમના ભત્રીજા રિતુરાજ સંજય પાટીલને કોલ્હાપુર દક્ષિણ બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.