અમદાવાદ, તા.૧૪
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની ખુશામતખોરી કરવા ત્યાંની શાળાઓમાં ધો.૧થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વધારાના અભ્યાસ તરીકે મોદીના પુસ્તકોની ખરીદીમાં ઊંડો રસ દાખવતા ગુજરાત પ્રદેશ કિશાન ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આને દેશના મહાન સપુતોનું અપમાન ગણાવ્યું છે. ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે ત્યાંની શાળાઓમાં ધો.૧થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વધારાના અભ્યાસ તરીકે દેશના મહાન સપુતોના જીવન વૃતાંત ભણાવવા લાખો રૂપિયાની કિંમતના પુસ્તકો ખરીદવાનો નિર્ણય લીધો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના ઈતિહાસમાં ક્યાંય કોઈપણ પ્રકારનું પ્રદાન નહીં હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની ખુશામતખોરી કરવા આપણા દેશના મહાન સપુતો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી, દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર, દેશના પ્રથમ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ કરતાં પણ ખૂબ મહાન હોય તેમ મોદીના પુસ્તકોની ખરીદીમાં ખૂબ ઉંડો રસ દાખવ્યો છે અને આપણા દેશના મહાન સપુતોની સરખામણીમાં અનેકગણી કિંમતના પુસ્તકો ખરીદીને આપણા દેશના લગભગ તમામ મહાન સપુતોનું અપમાન કર્યું છે. દરેક ચૂંટણીઓમાં રાજકીય લાભ ખાટવા સરદાર પટેલનું નામ વટાવી ખાનાર ભાજપના નેતાઓની કથની અને કરનીમાં કેટલો મોટો તફાવત છે તે મહારાષ્ટ્ર સરકારની ભાજપ સરકારે સાબિત કરી આપ્યું છે. તેઓને માત્રને માત્ર રાજકીય લાભ ખાટવા સરદાર સાહેબનું નામ વટાવી ખાવામાં જ રસ છે અને એટલે મને કહેવાનું મન થાય છે કે આપણા વર્તમાન સત્તાધીશો દેશ અને દુનિયાની નજરમાં કેટલા વામણાં સાબિત થઈ રહ્યા છે કે જેઓ આજની નવી પેઢીને કેવું શિક્ષણ આપી રહ્યા છે અને કેટલા ગેરમાર્ગે દોરી રહ્યા છે તે લોકોએ સમજી લેવાની જરૂર છે.