(એજન્સી) મુંબઈ, તા.૧૬
મહારાષ્ટ્ર ૨૦ એપ્રિલથી ૨૦ જેટલા જિલ્લાઓમાં વિશેષ આર્થિક ઝોન અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) ઝોનમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરશે. તેમ રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ ગુરુવારે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સમીક્ષા પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ સુભાષ દેસાઇએ જણાવ્યું હતું કે, જે ૨૦ જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિ શરૂ થનાર છે, ત્યાં આર્થિક પ્રવૃતિને “ઓછામાં ઓછું જોખમ” હોવાનું દર્શાવવામાં આવ્યું છે, કારણ કે અહીં કોવિડ -૧૯ના કેસોની સંખ્યા સૌથી ઓછી છે.
“મારી માહિતી મુજબ, રાજ્યના છ જિલ્લાઓમાં કોરોનાના શૂન્ય કેસો છે અને બાકીના એક રાજ્યમાં કોરોના વાયરસના ફક્ત એક કે બે જ કેસો નોંધાયા છે. અહીં કેન્દ્રીય માર્ગદર્શિકા મુજબ વ્યવસાયો અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે તમામ શિષ્ટાચારનો અમલ કરવામાં આવ્યા બાદ કોઈ નુકસાન થાય તેવી શક્યતાઓ નથી. તેમ દેસાઇએ જણાવ્યું હતું.
બુધવારથી રાષ્ટ્રીય તાળાબંધીના બીજા તબક્કાની શરૂઆત સાથે, કેન્દ્રએ તમામ રાજ્યો માટે નવી માર્ગદર્શિકા જારી કરીને, આગામી ૨૦ એપ્રિલ બાદ, કેટલાક ઉદ્યોગોને અમુક નિયમોના પાલન સાથે ફરીથી શરૂ કરવા માટે પરવાનગી આપી હતી.
મહારાષ્ટ્રમાં એમઆઈડીસી દ્વારા લગભગ ૨૩૦ જેટલા ઔદ્યોગિક ઝોનને વિકસિત કરવામાં આવ્યા છે. ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ કહ્યું છે કે, જે ૧૨ મહાનગર પાલિકાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવી છે તેમને ઉદ્યોગો શરૂ કરવા માટે છૂટછાટ આપવામાં આવશે નહીં.