(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
શહેરના મહિધરપુરા વિસ્તારમાં નશાની હાલતમાં યુવકે રાહદારીઓ ઉપર પથ્થરમારો કરતાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટથી સહારા દરવાજા જવાના ઓવરબ્રીજ પર એક નશાની હાલતમાં યુવકે ધમાલ મચાવી હતી. પીધેલા આ યુવકે રસ્તામાં તીક્ષ્ણ હથિયારો સાથે પથ્થરો ફેંક્યા હતાં. જેથી વાહનચાલકો જાણે ટ્રાફિક સંચાલન વખતે ઉભા રહે તે રીતે ઉભા રહી ગયા હતાં. આ દરમિયાન હુમલાનો પ્રયાસ કરતાં યુવકની નજીક જનારને પણ તે માર મારતો હતો. આથી એક રિક્ષાચાલકે હિંમતભેર તેને અડફેટે લીધા બાદ યુવક કાબુમાં આવ્યો હતો. આ વખતે પોલીસના જવાનો પણ આવી ગયા હતા અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.