(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
ભાજપ સરકારના આરોગ્ય વિષયક શ્રેષ્ઠ સારવાર સહિતના તંત્રના દાવા વચ્ચે પોરબંદરના માધવપુર ઘેડ વિસ્તારમાં જયાં દર મહિને ૩૦થી ૪૦ પ્રસૂતિ અને ૩૦૦થી વધુ ઈમરજન્સી કેસ રહેતા હોવા છતાં કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ સેવા જ ઉપલબ્ધ ન હોવાની વિગતો સામે આવી છે. રાજયમાં એક તરફ નવજાત શીશુઓનાં મોતના મામલાને લઈ ચકચાર વ્યાપી છે ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે સરકારી તંત્રની વ્યવસ્થા કેવી છે તે બહાર આવ્યું છે. સરકારની આ સ્થિતિ ખુદ ભાજપના જ સાંસદ દ્વારા બહાર આવી છે તેમણે આ મુદ્દે આરોગ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રાજકોટ અને અમદાવાદ ન્યુ સિવિલ હોસ્પિટલમાં ૩૧૩ જેટલા બાળકોના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજવાનો મામલો ગરમાયો છે. ત્યારે મેડિકલ સુવિધાના અભાવે કફોડી સ્થિતિનો સામનો કરી રહેલા પોરબંદરના માધવપુર ઘેડને તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવવા માટે સાંસદ ધડૂક મેદાને પડયા છે. સાંસદે આરોગ્ય મંત્રીને પત્ર લખી તાત્કાલીક અસરથી એમ્બ્યુલન્સની માગણી કરી છે. હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ તંત્રની ભૂલ રાજય સરકાર સમક્ષ દર્શાવી રહ્યા છે. સાંસદ રમેશ ધડુકે પોતાના મતવિસ્તારમાં એમ્બ્યુલન્સની સેવા ખોરવાઈ હોવાનો પત્ર રાજયના આરોગ્ય મંત્રીને લખ્યો છે. જણાવ્યું છે કે તેમના મત વિસ્તાર એવા માધવપુર ઘેડામાં જયાં લોકપ્રિય એવું રૂક્ષ્મણી મંદિર પણ આવેલુ છે તે જગ્યાએ કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ નથી. માધવપુર ઘેડ વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને ૩૦થી ૪૦ જેટલી મહિલાઓની પ્રસૂતિઓ થાય છે તો સાથે જ ૩૦૦થી વધુ નાની મોટી ઈમરજન્સી સેવાઓનું કામ પડે છે તેવામાં માધવપુર ઘેડથી વધુ સારવાર અર્થે જૂનાગઢ તબદીલ કરવા માટે દર્દીઓ માટે એક પણ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ ન હોવાનું સાંસદે પત્રમાં જણાવ્યું છે.