(એજન્સી) હૈદરાબાદ, તા.૧૩
એક જટીલ યોજના બનાવાઈ હતી પરંતુ મટન સૂપે તેને ખુલ્લી પાડી દીધી. જેમાં એક મહિલાએ તેના પતિની હત્યા કરી તેના પ્રેમીને પતિ તરીકે દર્શાવવાની કોશીશ કરી હતી. આ વિચિત્ર ઘટનાની તેલંગાણા પોલીસે તપાસ કરી હતી.
સ્વાતિ નામની ર૭ વર્ષની એક મહિલા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી હતી. તેણી સુધાકર રેડ્ડી ૩ર સાથે પરણેલા હતી. તેને બે બાળકો હતા. સ્વાતિને રાજેશ નામના એક ફિઝિયો સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. નવેમ્બર ર૭ના રોજ બંનેએ ભેગા મળી પતિ સુધાકર રેડ્ડીને ઘેનનું ઈન્જેકશન આપી દીધું. ત્યારબાદ બેભાન હાલતમાં તેને માથા પર ફટકા મારી હત્યા કરી મૃતદેહને જંગલમાં લઈ જઈ બાળી મૂકી નાશ કર્યો. સ્વાતિએ તેના પ્રેમીના મોઢા પર એસિડ રેડ્યો અને પરિવારને કહ્યું કે તેના પતિ પર અજાણ્યા માણસોએ હુમલો કર્યો છે. આ યોજના પ્રેમીના ચહેરાને પ્લાસ્ટિક સર્જરી કરી પતિ જેવો બનાવવાનો હતો. પ્રેમી રાજેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં તેને મટન સૂપ પીરસાયો. તેણે લેવાનો ઈન્કાર કર્યો. સ્વાતિનો પતિ માંસાહારી હતો. તો પછી શાકાહારી કેવી રીતે થયો ? તે મુદ્દો ચર્ચામાં આવ્યો. પરિવારનું ધ્યાન પ્રેમી રાજેશના વર્તન તરફ ગયું. તેથી પ્રેમી રાજેશને પરિવારે પ્રશ્નો પુછવાના શરૂ કરતા પ્રેમી રાજેશ ચૂપ થઈ ગયો. પતિ સુધાકર રેડ્ડીના પરિવારે પોલીસને જાણ કરી કે આ વ્યક્તિ સુધાકર નથી. પોલીસે સ્વાતિની પૂછપરછ કરી ત્યારે તેણીએ પતિની હત્યા કબૂલી. જેમાં પ્રેમી રાજેશનો સાથ હતો. સ્વાતિની પોલીસે રવિવારે ધરપકડ કરી. પતિ સુધાકરની હત્યાનો પર્દાફાશ કર્યો. પ્રેમી રાજેશની હોસ્પિટલમાંથી મુક્તિ બાદ ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.