(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૦
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશમાં ભાજપના મહિલા નેતા અંગે સિનિયર સાથી નેતા કમલનાથની ‘આઇટમ’ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે, હું આવી ભાષાને ક્યારેય પ્રોત્સાહન આપતો નથી. રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કમલનાથ મારી પાર્ટીના નેતા છે પરંતુ અંગત રીતે જે ભાષાનો ઉપયોગ થયો તેને હું પસંદ કરતો નથી, આને પ્રોત્સાહન આપતો નથી પછી તે કોઇપણ હોય. આ દુર્ભાગ્યપૂર્ણ છે. મારા મતે તમામ સ્તરે મહિલાઓ સાથેનું આપણું વર્તન સુધરવું જોઇએ પછી તે કાયદો વ્યવસ્થા વિશે હોય કે, સામાન્ય સન્માનનું હોય કે પછી ઉદ્યોગ, સરકાર કે કોઇ અન્ય સ્થાને પણ તેની કોઇ મર્યાદા હોવી જોઇએ. મહિલાઓ આપણું ગર્વ છે અને તેમનું રક્ષણ થવું જોઇએ. રાહુલ ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કમલનાથે કહ્યું હતું કે, તેમણે નિવેદન આપીને કયા સંદર્ભે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેની સ્પષ્ટતા કરી દીધી છે. આ રાહુલ ગાંધીનો મત છે. આ સંબંધમાં મેં પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, કયા વિષયે નિવેદન આપ્યું છે. જ્યારે કોઇનું અપમાન કરવાનો ઇરાદો જ ન હતો તો પછી માફી શા માટે માગું ? જો કોઇને અપમાન જેવું લાગ્યું હોય તો હું પહેલા જ ખેદ વ્યક્ત કરી ચૂક્યો છું. ઉલ્લેખનીય છે કે, કમલનાથ રવિવારેએ સમયે વિવાદમાં ફસાયા હતા જ્યારે તેમણે એક બેઠક દરમિયાન ભાજપના મહિલા મંત્રી ઇમરતી દેવીને આઇટમ તરીકે સંબોધ્યા હતા. ડાબરામાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજાનું સમર્થન કરતા તેમને સામાન્ય વ્યક્તિ તરીકે વધાવ્યા હતા તથા ઇમરતી દેવીને આઇટમ કરીને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે, હું શા માટે વિરોધી ઉમેદવારનું નામ લઉં ? બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, જ્યારે રાહુલ ગાંધી કબૂલ કરે છે કે, કમલનાથે ભૂલ કરી છે ત્યારે તેમને સજા આપવી જોઇએ. તેમણે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કમલનાથની નિમણૂંકનો પણ વિરોધ કર્યો હતો.