(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૩
રાજકોટમાં ત્રણ વર્ષથી માવતરે રીસામણે બેઠેલી મહિલા પોતાના સંબંધીને ત્યાં વિસાવદર તાલુકાના ભટ્ટવાવડી ગામે જતી હતી ત્યારે વિસાવદરના જેતલવડ નજીક મૃતક મહિલાના સગા ભાઈ સહિત બે અજાણ્યા શખ્સોએ તેને માર્ગમાં આંતરી દોરી વડે ફાંસો આપી છરી વડે હત્યા કર્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ ગાયત્રીનગર મેઈન રોડ, હસનવાડીની બાજુમાં રહેતી અને ત્રણ વર્ષથી માવતરે રીસામણે આવેલ હેતલબેન દિલીપભાઈ ખાચર (ઉ.વ.૩૦) નામની મહિલા ગઈકાલે વિસાવદર પાસેના સતાધાર દર્શન કરી તેમના સગાને ત્યાં ભટ્ટવાવડી ગામે રાત્રી રોકાણ માટે જવા નીકળી હતી. ત્યારે જેતલવડ ગામ પાસે તેમના સગા ભાઈ યુવરાજસિંહ સહિત બે અજાણ્યા શખ્સોએતેની ઉપર હુમલો કરી દોરી વડે બાંધી છરીના આડેધડ ઘા ઝીંકી નાસી છુટતા હેતલબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના મૃતદેહને પીએમ માટે વિસાવદર સરકારી દવાખાને ખસેડાયો હતો.
આ બનાવમાં મરનાર અને ખુન કરનાર સગા ભાઈ-બહેન થતા હોય, વિસાવદર પોલીસમાં મૃતક હેતલબેનના માતા શાંતુબેન પ્રતાપભાઈ માંજરિયાએ તેમના પુત્ર યુવરાજસિંહ સહિત બે અજાણ્યા શખ્સો સામે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા વિસાવદર પીઆઈ એન.આર. પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.