(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
શહેરના પાંડેસરામાં બીજા માળેથી પટકાયેલી મહિલાનો પગ તૂટીને જમણા હાથના ખભા સુધી આવી ગયો હતો. ૧૦૮ મારફતે મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આવી હાલતમાં મહિલાને જોઈને ડોક્ટરો પણ આશ્વર્યમાં પડી ગયા હતા.શહેરના પાંડસેરા વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં તારાબેન લક્ષ્મણભાઈ વાસફોડા પરિવાર સાથે રહે છે. પતિ સાથે વાસના ટોપલા બનાવવાના કામકાજ સાથે સંકળાયેલા છે. તારાબેન નાના પુત્ર સાથે સૂતા હતા. દરમિયાન સવારે ૬ વાગ્યાની આસપાસ અચાનક બીજા માળેથી નીચે પટકાયા હતા. જેથી બૂમાબૂમ થઈ જતા પરિવાર ઉંઘમાંથી ઉઠીને દોડ્યું હતું. ત્યારબાદ ૧૦૮ મારફતે તારાબેનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે, મહિલા નીચે પટકાતા પગ તૂટીને ખભા સુધી આવી ગયો હતો. જેને જોઈને ડોક્ટરો પણ આશ્વર્યમાં મૂકાઈ ગયા હતા. ઓર્થોના રેસિડેન્ટ ડૉ.અંકુર અને તેમની ટીમે તાત્કાલિક તારાબેનને પ્રાથમિક સારવાર આપી હતી અને પગ સીધો કરી ઇમરજન્સી મેડિસિન વિભાગમાં દાખલ કરી દીધા હતા. ત્યારબાદ તૂટી ગયેલા પગની સર્જરી માટે થાપા, કમર, પગ અને હાથના એક્સ-રે પાડવા માટે સૂચન કર્યું છે. હાલ તો તારાબેનના પગને સીધો કરી વધુ સારવાર ચાલી રહી છે. તારાબેનને સિવિલમાં લાવવામાં આવ્યા ત્યારે તેનું બીપી ખૂબ જ ઓછું બતાવતું હતું. જેના કારણે હાલ તેમને ઈમરજન્સી મેડિસિન વિભાગમાં દાખલ કરાયા છે. ત્યારબાદ બીપી સ્ટેબલ થાય પછી એક્સ-રેને આધારે તેમને ઓપરેશનમાં લેવામાં આવશે.