ઉના, તા.૨૦
કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે થયેલા સામૂહિક બળાત્કાર અને તેની હત્યાની ભયાવહ ઘટના અને ત્યારબાદ ઉન્નાવની મહિલા સાથે બળાત્કાર બાદ તેના પિતાની હત્યા અને ગુજરાતના સુરત તેમજ રાજકોટમાં બનેલી બાળા પર દુષ્કર્મ હત્યાઓના બનાવથી સમગ્ર દેશમાં જન આક્રોશ ઉઠી રહ્યો છે. આવા ક્રૂર અત્યાચારના બનાવમાં સંડોવાયેલા નરાધમને આકરી સખ્ત ફાંસીની સજા કરવાની માગણી સાથે ઇન્સાનિયત જાગી ઉઠી હોય તેમ માનવતા સાથે દરેક સમાજના અગ્રણી આ રેલીમાં જોડાઇ અહિંના કોટ વિસ્તાર ખાતેથી પ્રદર્શન સાથે પ્લેકાર્ડ અને બેનરો સાથે હજારોની સંખ્યામાં મૌન રેલી કોમી એકતા સાથે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ઉના નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉપરોક્ત ઘટનાઓને વખોડી કાઢી હતી. આ રેલીમાં મુસ્લિમ સમાજના પ્રમુખ ઇકબાલભાઇ ભિસ્તી, ઉપપ્રમુખ યુસુફભાઇ તવક્કલ તાલુકા મુસ્લિમ સમાજ પ્રમુખ મુન્નાભાઇ ઉમેજવાળા, સૈયદ યાદગારબાપુ, ગુણવંતભાઇ તળાવિયા, એમ.જી.નકવી, સંજરભાઇ કાદરી, નગરપાલિકા ઉપપ્રમુખ દાદાબાપુ શેખ, પાલિકા સદસ્ય સાહબુદીનભાઇ દલ, હનીફબાપુ કાદરી, મુન્નાબાપુ ટ્રાન્સપોર્ટ વાળા, માસુમભાઇ કાશ્માણી વેપારી અગ્રણી અબ્બાસભાઇ સુમરાણી સહિત હિન્દુ-મુસ્લિમ દરેક સમાજના અગ્રણીઓ માનવતા રેલીમાં જોડાયા હતા.