(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
બસ કેમ ઊભી રાખતા નથી તેમ કહી મહિલા કંડકટરના વાળ પકડી ગળદાપાટુનો માર માર્યા બાદ નોકરી કેવી રીતે કરો છો તેમ કહી જોઇ લેવાની ધમકી આપવાનો આરોપ ધરાવતા કિરણભાઇ પરમારની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર ડભોઇ ગાયત્રી મંદિર પાસે ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન ભુરાભાઇ ભુરીયા ડભોઇ ડેપોમાં કંડકટર તરીકે છેલ્લાં દોઢ વર્ષથી ફરજ બજાવે છે. ગત તા.૧૦મીના રોજ વડોદરાના ડેપોથી બપોરના સમયે એસટી બસ ડભોઇ જવા રવાના થઇ હતી.
કંડકટર સુમિત્રાબેન ભૂરિયા મુસાફરોને ટિકિટ આપતા હતા. સોમા તળાવ ચાર રસ્તા પાસે બસ સ્ટેન્ડ ખાતે બસ ઊભી રાખી હતી. કંડકટર સુમિત્રાબેન ભૂરિયાએ બસનો દરવાજો ખોલતા મહિલા મુસાફર ચઢી ગઇ હતી. ત્યારબાદ અજાણ્યા પુરૂષે દરવાજો ખખડાવ્યો હતો. બસ કેમ ઊભી રાખતા નથી તેમ કહી બસમાં પ્રવેશ કરનાર અજાણ્યા શખ્સે મહિલા કંડકટરને બિભત્સ ગાળો ભાંડી હતી. તેમજ મહિલા કંડકટરના વાળ પકડી ગળદાપાટુનો માર માર્યો હતો. બસમાં ઝપાઝપી અને મુસાફરે જોઇ લેવાની ધમકી ઉચ્ચારી હતી. શહેર પોલીસ તંત્રને બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે કિરણભાઇ રમેશભાઇ પરમારની ધરપકડ કરી હતી.