સિડની,તા.૩
ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી૨૦ વિશ્વકપની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. પ્રથમ સેમિફાઇનલ પાંચ માર્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે અને આજ દિવસે બીજી સેમિફાઇનલ મેચ રમાશે.
ભારતે ગ્રુપ-એમાં ટોપ પર રહેતા સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાન પર રહી છે. ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયન ટીમ બીજા સ્થાન પર રહી અને નક્કી કાર્યક્રમ પ્રમાણે તેણે હવે સેમિફાઇનલમાં ગ્રુપ-બીની ટોપ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટકરાવાનું છે.
સેમિફાઇનલમાં પહોંચનારી ટીમોનો નિર્ણય સોમવારે ન્યૂઝીલેન્ડ પર ઓસ્ટ્રેલિયાની જીતની સાથે થઈ ગયો હતો, પરંતુ ગ્રુપ-બીમાં કઈ ટીમ ટોપ પર રહેશે, તેનો નિર્ણય દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી મેચથી થવાનો હતો. આ બંન્ને ટીમોની મેચ એકપણ બોલ ફેંકાયા વિના રદ્દ થઈ ગઈ અને આ રીતે બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. આ એક પોઈન્ટની સાથે આફ્રિકાની ટીમ સાત પોઈન્ટ સાથે ગ્રુપ-બીમાં ટોપ પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડના છ પોઈન્ટ છે.