જામનગર, તા.૧૭
જામનગરના મહિલા ડ્રગ ઈન્સ્પેકટર રૂા.પ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા પછી એસીબીએ તેઓને એક દિવસના રિમાન્ડ પર લીધા છે. ગઈકાલે તેઓના સરકારી કવાર્ટરની તલાશી લેવાતા ત્યાંથી રૂા.૧ લાખ ૮પ હજારની રોકડ સાંપડી છે. કવાર્ટરમાં રૂા.અઢીએક લાખનું રાચરચીલું હોવાની અને આ અધિકારીનું રાજકોટમાં બીજું મકાન પણ હોવાની વિગત મળતા એસીબી રાજકોટ ધસી ગઈ છે.રજામનગરની ઈન્દ્રપ્રસ્થ ઈમારતમાં આવેલી દવાની એજન્સીના ધારકને તકલીફ ન પડે તેવી નોંધ કરવા માટે જામનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વર્ગ-રના અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા ઈન્સ્પેકટર કિરણબેન સવજાણીએ રૂા.પ હજારની માંગણી કર્યાની એજન્સી ધારકે એસીબીમાં ફરિયાદ નોંધાવ્યા પછી મંગળવારે બપોરે આ અધિકારીને જામનગર એસીબીના સ્ટાફે રંગેહાથ પકડી પાડયા હતા.
આ અધિકારીને ગઈકાલે પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અદાલતે તપાસનીશ અધિકારીના રજૂ થયેલા મુદ્દાઓ અને ડીજીપી જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલોને લક્ષમાં લઈ આરોપી કિરણબેન સવજાણીને એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ગઈકાલે મોરબી એસીબીના ઈન્ચાર્જ અને આ કેસની જેઓને તપાસ સોંપવામાં આવી છે તે પીઆઈ એમ.બી.જાની તથા સ્ટાફે સાત રસ્તા રોડ પર આવેલી સરકારી વસાહતના ડી/૪ નંબરના બ્લોકમાં તપાસ કરતા ત્યાંથી રૂા.૧ લાખ ૮પ હજાર જેવી રોકડ રકમ સાંપડી છે. જ્યારે આ કવાર્ટરમાં ટીવી સહિતનું રૂા.અઢી લાખનું રાચરચીલું પણ જોવા મળ્યું છે તેની એસીબીએ નોંધ કરી વધુ પૂછપરછ કરતા કિરણબેન સવજાણીનું રાજકોટમાં અન્ય એક સ્થળે પણ મકાન આવેલું હોવાની વિગતો સાંપડી છે જેની ચકાસણી તથા લોકરની જડતી લેવા માટે એસીબીની ટૂકડી આરોપીને સાથે રાખી આજે રાજકોટ દોડી ગઈ છે. આ અધિકારીના પતિ રાજકોટ જ રહે છે, જ્યારે મહિલા અધિકારી જામનગર રહેતા હતા અને તેઓના બે સંતાન તબીબી અભ્યાસ કરે છે.