(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
આવતીકાલે મહિલા દિનની ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરનાર રાજ્યની ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ જ સુરક્ષિત નહીં હોવાની વિગતો બહાર આવી રહી છે. મહિલાઓને સલામતી આપવાની તથા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું સૂત્ર આપી મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનારી ભાજપ સરકારના શાસનકાળમાં રાજ્યની ૧૩૬૦૦ જેટલી મહિલાઓ ગુમ થઈ જવા પામી હોવાની વિગતો ખુદ સરકારે રેકર્ડ પરથી બહાર આવી છે. મહિલાઓ ગુમ થવાનો આંક તો બહુ મોટો હતો પરંતુ તે પૈકીની પરત મળી આવવા પામી હતી. મહિલાઓ ગુમ થવાની બાબતમાં અમદાવાદ રાજ્યભરમાં ટોપ પર છે. અહીંની ર૯૦૮ મહિલાઓ ગુમ થઈ જવા પામી છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સત્તામાં આવ્યા બાદથી મહિલાઓ ૩૩ ટકા અનામતનો અમલ કરવાનો શ્રેય લેવા સાથે મહિલા સશક્તિકરણ માટે સૌથી વધુ બજેટ ફાળવી વિવિધ યોજના-કાર્યક્રમો કરાઈ રહ્યા ઉપરાંત વારંવાર મહિલા સંમેલનો યોજવાની ગુલબાંગો પણ ગાઈ-વગાડીને પોકારવામાં આવતી રહે છે ત્યારે મહિલાઓના સંરક્ષણ બાબતે ભાજપ સરકાર કેટલી ચિંતા કરે છે તે તો રાજ્યની મહિલાઓના ગુમ થવાના આંકડાઓ પરથી જણાઈ આવે છે. છેલ્લા બે વર્ષના જ આંકડા પ્રમાણે રાજ્યની કુલ ૧૩પ૭૪ મહિલાઓ ગુમ થઈ જવા પામી છે. તેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં અને તે પછીના ક્રમે સુરત જિલ્લામાં ર૬ર૬ મહિલાઓ ગુમ થઈ જવા પામેલ છે. તે પછી ત્રીજા ક્રમે મુખ્યમંત્રી રૂપાણીનો વિસ્તાર રાજકોટ આવે છે જ્યાં ૧૧૭૭ મહિલાઓ ગુમ થઈ જવા પામી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તાર મહેસાણા ચોથા ક્રમે આવે છે. અહીંની ૮૭૩ મહિલાઓ ગુમ થઈ છે. તે પછી વડોદરામાં ૮પ૮ મહિલાઓ ગુમ થઈ ગઈ છે. વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોના જવાબમાં આંકડાકીય વિગતો સાથે મંત્રીને જવાબ આપ્યો હતો. જો કે તેમાં આ રીતે મહિલાઓ ગુમ થવાના બનાવો મોટી સંખ્યામાં વધવા પામ્યો છે ત્યારે તેમાં મહિલાઓના અપહરણ, ઘરેથી નીકળી જવાના, ત્યજી દેવા સહિતની વિવિધ બાબતો મુખ્ય રહેતી હોવાની વિગતો પણ ધ્યાન પર આવવા પામી છે. જો કે તેમાં મહિલાઓ ગુમ થવાના બનાવો બનતાં અટકાવવા સઘન વ્યવસ્થા ગોઠવવા અંગેની કોઈ જ સ્પષ્ટતા કરવાને બદલે ગુમ મહિલાઓને શોધવા કેવા પ્રયત્નો કરાય છે તેની જ વિગતો આપવામાં આવી છે.
રાજ્યમાં સગીર વયની બાળાઓ
ભગાડી જવાના બનાવો વધુ !
રાજ્યમાં મહિલાઓ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ બહાર આવતી વિગતો પરથી જણાઈ આવે છે. રાજ્યમાં મહિલાઓ ગુમ થવાના બનાવોની સાથે બાળાઓને ભગાડી જવાના બનાવો પણ વધી રહ્યા છે તેમાં પણ આ બાળાઓમાં સગીર વયની બાળાઓ વધુ હોવાની વિગતો બહાર આવી છે. વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નના લેખિત જવાબમાં સરકારના ગૃહવિભાગ સંભાળતા મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિસાગર જિલ્લા બાળાઓને ભગાડી જવાના બનાવોમાં બધા જ સગીર બાળાના બનાવો છે. ગૃહ સમક્ષ રજૂ થયેલ પ્રશ્નોત્તરી પુસ્તિકામાં જે રીતે તમામ જિલ્લાની મહિલા ગુમ થવાની વિગતો જણાવાઈ છે. તે પ્રમાણે જો આ પ્રશ્ન પણ પૂછાયા હોત તો બાળા ભગાડી જવાની બાબતમાં પણ તમામ જિલ્લાની વિગતો જાણવા મળતી પરંતુ અહીં માત્ર મહિસાગર જિલ્લાની વિગત પૂછાતાં તે એકમાત્ર જિલ્લામાં બાળાઓ ભગાડી જવાના ૪ર બનાવો બન્યા હતા જે તમામ બાળા સગીર હતી. આ બનાવોમાં ૭૦ની ધરપકડ કરાઈ છે ત્યારે બે વર્ષ થવા છતાં હજુ ૬ર આરોપીની ધરપકડ કરી શકાઈ નથી.