(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
પરિણીત સંબંધો ધરાવતા કારખાનેદાર પર ચપ્પુ વડે હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કરી દેનાર યુવક સહિત તેના મિત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં કારખાનેદારની હાલત અત્યંત નાજુક હોવાનું સાધનો દ્વારા જાણવા મળ્યું છે.
વિગતો અનુસાર અડાજણપાટિયા સ્થિત ફારૂકી એપાર્ટમેન્ટમાં રહેતા નાસીર રઝ્‌ઝાક ગગન રાજા એમ્બ્રોઈડરી કારખાનું ધરાવે છે. સલાબતપુરા માલિની વાડીમાં આવેલા કારખાનામાં સોમવારે રાત્રે ઘુસી આવેલા નવાઝ યાસીન ફત્તા તેમજ શકીલે (રહે.બડેખા ચકલા) નાસીર પર ઘાતકી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાની કોશિશ કરી હતી. અલબત્ત નસીબજોગે તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા નાસીરને અડાજણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેનું ઓપરેશન થઈ જતાં મોતના મુખમાંથી પરત આવ્યો છે જોકે, ડોક્ટરે ત્રણ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે.
આ હુમલા પાછળની હકીકત એવી છેકે, ગયે મહિને અઠવાલાઈન્સ પોલીસ મથકમાં પ્રથમ પત્નીએ નવાઝ સામે છેડતીનો આક્ષેપ કરતી અરજી કરી હતી. જેને આધારે સબ ઈન્સ્પેક્ટર ખેતાભાઈ રાવલે નવાઝ ફત્તાને અત્યંત નિર્દયતાપૂર્વક ફટકાર્યો હતો. આ મામલામાં પડદા પાછળ નાસીર ગગને ભૂમિકા ભજવી હોવાનું સ્પષ્ટ થઈ જતાં વેર વાળવાના ઉદ્દેશ્યથી નાસીર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નવાઝની પ્રથમ પત્ની સાથે અનૈતિક સબંધો રાખવાનો નાસીર પર આક્ષેપ પણ થઈ રહ્યો છે. બનાવ સંદર્ભે સલાબતપુરા પોલીસ મથકમાં બંને વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
નાસીર અને નવાઝ ખુબ સારા મિત્રો હતા
આ હુમલામાં ગંભીર રીતે ઘવાલેયા નાસીર તેમજ નવાઝ એક સમયે જીગરી જાન મિત્રો હતો પરંતુ મિત્રતામાં દગો કરીને નાસીરે નવાઝની પ્રથમ પત્ની સાથે અનૈતિક સબંધો બાંધ્યા હતા. એવા તેના પર આક્ષેપ છે. નાસીર અને નવાઝની પ્રથમ પત્ની કઢંગી અવસ્થામાં રંગેહાથ ઝડપાયા પછી નવાઝે પત્નીને છુટી કરી દીધી હતી ત્યારથી નાસિરને છુટો દોર મળી ગયો હતો. મિત્રતામાં દગો કરનાર નાસિરે ગયે મહિને નવાઝ સામે અરજી કરાવી જેનાથી બંને વચ્ચેની દૂશ્મની ફરી તાજી થઈ ગઈ હતી અને ત્યારથી નવાઝે નાસીરને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું. એવી બડેખા ચકલા વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે.