લુણાવાડા, તા. ૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર ધો-૧૦ નું પરિણામ ધોરણ-૧૦નું પરિણામ જાહેર થતા મહિસાગર જિલ્લાના પરિણામ અંગેની વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું કે, માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષા ૧૪૯૫૬ વિદ્યાર્થીઓએ આપી હતી. જે પૈકી ૮૩૨૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં જિલ્લાનું પરિણામ ૫૫.૬૫ ટકા આવ્યું છે.
જિલ્લાના ૨૩ વિદ્યાર્થીઓએ છ-૧ અને ૧૭૪ વિદ્યાર્થીઓએ છ-૨ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જ્યારે ૫૬ શાળાઓનું ૭૦ ટકા પરિણામ આવ્યું છે.
આ ઉપરાંત મહિસાગર જિલ્લાના વર્ષ ૨૦૧૮માં ૪૮.૮૫ ટકા અને ૨૦૧૯ માં ૫૩.૦૬% આવેલ પરિણામની સરખામણીએ ચાલુ વર્ષે ૨૦૨૦માં ૬.૮ ટકાનો વધારો થવા પામ્યો છે જ્યારે ગત વર્ષની સરખામણીમાં શુન્ય ટકા ધરાવતી શાળા માં ૨નો ઘટાડો થવા પામ્યો છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળામાં ૧નો વધારો અને ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળામાં પણ ૧૩ શાળાઓનો ઘટાડો થવા પામ્યો છે.જ્યારે મહિસાગર જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ અભિનંદન પાઠવ્યા છે.
મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા નગરની એકમાત્ર લઘુમતી શાળા હાજી.જી.યુ.પટેલ હાઇસ્કુલનું પરિણામ માત્ર ૫૦.૩૦% આવતા સમાજના અગ્રણીઓમાં ચિંતાનું મોંજુ ફરી વળ્યું હતું.