(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૫
ઉમેટા પાસે મહી નદીનાં બ્રિજ પરથી આજે સવારે વડોદરાનો યુવક અને નર્મદા જિલ્લાની યુવતીનાં આધાર કાર્ડ સહિતનાં દસ્તાવેજો, મંગળ સુત્ર તેમજ ચંપલ અને બાઈક મળી આવતા આ પ્રેમી યુગલએ મહીસાગર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની સંભાવનાને લઈને પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીનો વહેણ વધારે હોવાનાં કારણે તેઓનો કોઈ પત્તો નહી લાગતા આંકલાવ પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર વડોદરાનાં વીઆઈપી રોડ ખાતે રહેતો બીપીન ભીખાભાઇ વસાવા (ઉ.વ.૩૪) ગઈ કાલ બપોરે પોતાના છોકરાને શાળાએથી લઈ ઘરે મુક્યા બાદ નોકરી જવાનું કહી પોતાની બાઈક લઇને નીકળ્યો હતો અને મોડી સાંજ સુધી પાછા ન ફરતા પરીવારજનો શોધખોળ ચાલુ કરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો તો બીજી તરફ રાજપીપળાના ભદામ ગામે રહેતી બિપિનની કૌટુંબિક ભત્રીજી યોગીતા રાજુભાઇ વસાવા (ઉ.વ.૨૪) પણ પોતાનાં ઘરેથી નીકળી ગઈ હતી. જેથી બંને પરિવારજનોએ તેમને શોધખોળના હાથ ધરી હતી પરંતુ બન્નેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેમાં મંગળવારે મોડી સાંજે બીપીનનું ઉમેટા બ્રિજ પાસે બિનવારસી બાઇક અને બેગ મળી આવતા રાહદારીઓએ આંકલાવ પોલીસને જાણ કરી હતી. જેથી આંકલાવ પોલિસે તપાસકરતા બેગમાંથી આધારકાર્ડ સહિતનાં દસ્તાવેજો, મંગળસુત્ર તેમજ બીપીનના ભાઈ વિપુલભાઈનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેઓનો સંપર્ક કરી જાણ કરતા બન્નેના પરિવારજનો આંકલાવ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને તે બાઈક બિપીનનું જ હોવાનું તેમજ ચંપલો અને દસ્તાવેજો પણ બિપીન અને યોગીતાનાં હોવાની ઓળખ કરતા આ પ્રેમી યુગલએ મહિસાગર નદીમાં પડતું મુકયું હોવાની આશંકાને લઈને પોલીસે આજે સવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી મહીસાગર નદીમાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ નદીમાં પાણીનો વહેણ વધારે હોવાથી બન્નેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
આ અંગે આંકલાવ પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે તપાસ કરતા બિપીન અને યોગીતા વચ્ચે કૌટુંબિક કાકા ભત્રીજીનો સંબધ થાય છે, પરંતુ તેઓની વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેથી બન્નેનાં પરિવારજનો આ સંબંધનો વિરોધ કરતા હતા. જેમાં બીપીન પરણિત અને બે છોકરાનો પિતા છે, જ્યારે યોગીતાબેન કુંવારી છે. જેઓ બંને ગઈ કાલ બપોરના ઘરેથી નિકળી ગયા હતા. જોકે સમગ્ર મામલો આંકલાવ પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહિસાગર નદીમાં પ્રેમીયુગલે ઝપલાવ્યું

Recent Comments