મહુવા, તા. ર૧
મહુવામાં ટાણા ગામની મહિલા ઉપર હુમલો કરી પકડી રાખી બે મહિલા સહિત ચાર શખ્સોએ બળજબરી પૂર્વક સોડામાં કોઈ ઝેરી પદાર્થ પીવડાવી રોડ પર મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની મહુવા પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ સિહોર તાલુકાના ટાણા ગામે રહેતી યાસ્મીનબેન હસનભાઈ કુરેશ (ઉ.વ.પ૦) નીએ મહુવાની ફાતિમા સોસાયટીમાં રહેતા રફીક કાળુભાઈ સાયદા, વહિદાબેન રફીકભાઈ, અક્રમ રફીકભાઈ અને ઈસ્માઈલ નામના શખ્સ વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે, રફીક કાળુભાઈની પુત્રી સમીરાના લગ્ન પોતાના પુત્ર સાથે થયા હતા. દરમ્યાનમાં એક વર્ષ સમીરાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેની દાઝ રાખી ઉપરોક્ત તમામે તેણીને માર મારી પકડી રાખી સોડામાં કોઈ ઝેરી પદાર્થ મેળવી બળજબરી પૂર્વક પીવરાવી દઈ ઊંચકીને રોડ પર મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
યાસ્મીનબેને નોંધાવેલી ફરિયાદના આધારે મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.