મહુવા, તા.ર
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કૈલાસ ગુરૂકુળ ખાતે આગામી તા.૮ને શુક્રવારથી ત્રણ દિવસ માટે સદ્‌ભાવના પર્વ-૯ યોજાશે. મોરારીબાપુની નિશ્રામાં સતત નવમાં વર્ષે અહીં સદ્‌ભાવના પર્વનું આયોજન થયું છે. સમાપનના ત્રીજા દિવસે મોરારીબાપુ દ્વારા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના સદ્‌ભાવના એવોર્ડથી ગુજરાત કાર્યક્ષેત્ર માટે શિક્ષણવિદ્દ અને કર્મશીલ (AMWA) ડૉ. મહેરૂન્નિશા દેસાઈને તેમજ કાર્યક્ષેત્ર ભારત માટે ખુદાઈ ખિદમતગાર ફૈસલખાનને સન્માનિત કરવામાં આવશે.
પ્રારંભના દિવસે બપોરના ૩થી ૬ કલાકે વિશ્વગ્રામના તુલા-સંજય પર્વની ભૂમિકા બાંધી આપશે. જ્યારે બીજરૂપ વક્તવ્ય વિશ્વ વિખ્યાત સ્થાપતિ બાલકૃષ્ણ દોશી આપશે. તેમજ ચલચિત્ર સમીક્ષક અને ઈતિહાસવિદ્દ અમૃત ગંગર કલાજગત વિશે વાત કરશે. બીજા દિવસે તા.૯ને શનિવારે સવારના ૯થી ૧ર વચ્ચેની સંગોષ્ઠિમાં કર્મશીલ અને ગાંધીવિચારક પી.વી. રાજગોપાલ રાજ્યવ્યવસ્થા અંગે જ્યારે અર્થવ્યવસ્થા અંગે કૃષિ અર્થશાસ્ત્રી દેવીન્દર શર્માના વક્તવ્યો થશે. સાંજના ૩.૩૦થી ૬.૩૦ની વચ્ચે સમાજ વ્યવસ્થા વિશે સામાજિક કર્મશીલ સુષ્મા આયંગર અને પર્યાવરણશિક્ષણ વિદ્દ કાર્તિકેય સારાભાઈ પર્યાવરણીય વ્યવસ્થાની રજૂઆત કરશે. ત્રીજી રાત્રી બેઠક રાત્રિના ૮.૩૦થી ૧૦ કલાક વચ્ચે “હું તત્ત્વમસ્તિ અને રેવા” વિષય તળે સાહિત્યકાર ધ્રૂવ ભટનું વક્તવ્ય યોજાશે. સમાપનના ત્રીજા દિવસે તા.૧૦ જૂન, રવિવારે અંતિમ બેઠક સવારના ૯થી ૧રની રહેશે. જેમાં કાર્યકરો અનુભવ અને પ્રતિભાવો આપણી વાત અંતર્ગત વિચારો રજૂ કરશે. બાદમાં ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા મોરારીબાપુના હસ્તે સદ્‌ભાવના એવોર્ડ એનાયત થશે અને મોરારીબાપુ સમાપન વક્તવ્ય આપશે.