(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૪
આણંદના હાડગુડ ગામનાં વતની મહેબુબ અલી સૈયદ જેઓ બાબાનાં હુલામણા નામથી ઓળખાય છે, અને ધોળકાની મોંહમદી પ્રાથમિક શાળામાં તેઓ ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એ શબ્દમાં ચિત્રો સમાવી તેની ટચુકડી કવિતા અને ઉખાણાં રૂપી બાળ સાહિત્યનું સર્જન કર્યું છે. મહેબુબઅલી સૈયદ મૂળ કળાનો જીવ, નાનપણથી જ તેઓને ચિત્રો દોરવામાં રસ હતો અને તેમાં તેઓએ મહારથતા હાંસલ કરી, દરમિયાન તેઓને બાળ સાહિત્યમાં રસ પડયો, આપણે અહીયાં બાળ સાહિત્ય ક્ષેત્રે બહું ઓછું ખેડાણ થયું છે, ત્યારે મહેબુબ સૈયદ બાળ સાહિત્યમાં ઊંડા ઉતર્યા અને તેઓએ શબ્દ ચિત્રોની સાથે બાળ સાહિત્યનું સર્જન કર્યું છે. મહેબુબ સૈયદ એક સારા ચિત્રકાર ઉપરાંત એક સારા સમાજસેવી પણ છે. સમાજનાં વિકાસ માટે તેઓનાં હૃદયમાં સતત વલોપાત ચાલતો હોય છે.
મહેબુબ અલી સૈયદે અગાઉ ચારસોથી પાંચસો જેટલા શબ્દો ચિત્રો બનાવ્યા હતાં. હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીમાં જ્યારે પ્રાથમિક શિક્ષણનું કાર્યબંધ છે. શાળાઓ બંધ છે, ત્યારે લોકડાઉન દરમિયાન નવરાસની પળોનો તેઓએ અનોખો ઉપયોગ કર્યો છે. તેઓએ બીજા અનેક શબ્દચિત્રોનું સંપુટ તૈયાર કરી દઈ. બાળ સાહિત્યમાં એક હજાર ઉપરાંતના શબ્દ ચિત્રો તૈયારી કરી દીધા છે. લોકડાઉનમાં નવરાસનાં સમયનો ઉપયોગ કરીને વિવિધ ચીજ વસ્તુઓ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે તેઓએ એક હજારથી વધુ શબ્દ ચિત્રો તૈયાર કરીને અનોખી સફળતા પ્રાપ્ત કરી છે. આ અંગે મહેબુબ સૈયદે જણાવ્યું હતું કે મૂળ કેલીગ્રાફી એટલે કે સુલેખનનો એક ભાગ છે. જેમાં જે તે ચીજ વસ્તુ, પશુ, પંખીની નામ સાથે આકારમાં ઓળખ ઉભી કરવાનો આ પ્રયાસ છે જેથી બાળકો સહજ રમતવૃત્તિ સાથે જાણીતા પશુ પંખીઓ જેવા કે, મોર, પોપટ, હાથી, ચકલી, ઘોડો, બળદ અને સંગીત વાદ્યો, તંબુરો, ડમરૂં, વાસંળી, ઢોલક સહિતની અન્ય રોજ બરોજમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને ઘર આંગણાનાં પંખીઓને સરળતાથી બાળકો તેના ચિત્ર નામ સાથે ઓળખી શકે છે. વધુમાં આ પ્રયાસ બદલ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા મહેબુબ સૈયદની બે શ્રેષ્ઠ વાર્તા ઉખાણાં સાથે પ્રસિદ્ધ થયેલી પગલી અને ગુલમહોર નામની બે પુસ્તકોને આર્થિક સહયોગ સાંપડ્યો હતો. આ ઉપરાંત તેઓ લઘુ કથાઓ અને બાળવાર્તાઓ પણ હાલ સર્જન કરી રહ્યાં છે. જે અગામી સમયમાં પ્રસિદ્ધ થનાર છે.