મહેમદાવાદ, તા.૩૦
રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના ઈસાલે સવાબ અર્થે કુર્આનખ્વાની તેમજ સર્વધર્મ પ્રાથના અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મહેમદાવાદ તાલુકાના કેસરા મૂકામે આયોજન કરાયું હતું. આ વખતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ચેરમેન કરીમભાઈ મલેકે ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી ગુજરાતના પનોતા પુત્ર અહમદભાઈ પટેલના અવસાનથી દેશે એક રાષ્ટ્રવાદી લોકસેવાને સમર્પિત નેતા ગુમાવ્યા છે. તેઓ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની કામગીરીથી પ્રભાવિત થયા હતા અને સંસ્થાના મકાનનું ઉદ્‌ઘાટન અહમદભાઈ પટેલના હસ્તે થયેલ હોવાનું જણાવ્યું હતું. જ્યારે અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, અહમદભાઈ કોમી એકતાના પ્રતીક હતા. તેઓની કામગીરીમાં કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ ધર્મ દેખાતો ન હતો. તમામ સાથે સદ્‌ભાવનાથી વર્તન કરતા હતા તેમના સદગુણોને જીવનમાં લાવવાની જરૂર છેે. માજી મંત્રી વિમલભાઈ શાહે મર્હૂમ અહમદભાઈને એક મહાન નેતા ગણાવ્યા હતા તેઓના અવસાનથી રાષ્ટ્રીય કક્ષાએ કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં ઠાસરાના ધારાસભ્ય કાન્તીભાઈ સોઢા પરમાર, મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર, શિયા જમાતના મૌલાના જનાબ ચીમાજી, સુન્ની જમાતના મૌલાના અશરફ, માજી ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, શિયા જમાતના સૈયદ ઈકરાર હૈદર જૈદી, ઈકબાલભાઈ પોચા, ખિસ્તી ધર્મના પાદરી વિજયભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી તથા સંસ્થાના ખજાનચી તોરેખાન પઠાણનાઓએ મર્હૂમ અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પેશ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રફીક તિજોરીવાલા, અસગર શેખ, સિરાજભાઈ કુરેશી, યાકુબભાઈ ભટુક, અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર સમીરખાન પઠાણ, ઈબ્રાહીમભાઈ રાધનપૂરી, ગુલામભાઈ તલાટી, ડૉ.નૈષધ ભટ્ટ, મુન્નાખાન પઠાણ, યુસુફભાઈ મલેક, શહીદભાઈ સૈયદ, કેસરા મદ્રાસાના બાળકો તથા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું સંચાલન અબ્દુલ રહીમ મનસુરી તથા ઈકબાલભાઈ મેમણે કર્યું હતું.