નડિયાદ,તા.૨૩
મહેમદાવાદ તાલુકાના માંકવા નજીક આવેલ પેટ્રોલપંપ પાસે ગત મોડી રાત્રે એક લક્ઝરી બસનું ટાયર ફાટવાથી બસમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી.
કોરોના વાયરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન જે તે રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને લકઝરી બસ-ટ્રેન મારફતે તેમના વતન પહોંચાડવામાં આવી રહ્યાં છે. આવા જ શ્રમિકો ભરેલી લકઝરી બસ નં.આરજે ૧૯ પીબી ૭૭૪૦ બેંગ્લોરથી રાજસ્થાનના જોધપુર ગામે જઈ રહી હતી. આ લક્ઝરી બસ ગત મોડી રાત્રીના સમયે ગુજરાત રાજ્યમાં મહેમદાવાદ તાલુકાના માંકવા નજીકથી પસાર થઈ રહી હતી. જો કે પેટ્રોલપંપની બહાર વળાંકમાં જ લક્ઝરી બસના ડ્રાઈવર સાઈડનું પાછળનું ટાયર ફાટવાથી બસમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. ત્યારે લક્ઝરી બસના ચાલકે સમયસુચકતા વાપરી બ્રેક મારી ત્યાં જ બસ ઉભી કરી દીધી હતી. બુમાબુમ સાંભળી પેટ્રોલપંપના કર્મચારીઓ લક્ઝરી બસ નજીક દોડી આવ્યા હતાં અને બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. લક્ઝરી બસના ડ્રાઈવર-કંડક્ટર તેમજ પેટ્રોલપંપના કર્મચારીઓની સમયસુચકતાને પગલે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.