(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદ્વારા રકાબ ગંજ સાહિબની ઓચિંતાની મુલાકાત લેતાં જાણે સોશિયલ મીડિયા યુઝરોને મ્હેણાં મારવાની તક મળી ગઈ હોય તેમ યુઝરોેએ આ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમને આશા છે કે, મોદી હવે આવી રીતે અચાનક સિંધુ બોર્ડરની પણ મુલાકાત લેશે. મોદીએ દિલ્હીમાં શીખ ગુરૂ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ આપવા ગુરૂદ્વારા રકબ ગંજ સાહિબની અચાનક મુલાકાત લેતાં સૌ કોઈ ચોંકી ગયા હતા. નવા કૃષિ કાયદા વિરૂદ્ધ હાલ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે તેવા સમયે મોદીએ આ મુલાકાત લેતાં અનેક અટકળોએ જન્મ લીધો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોમાં મોટાભાગના શીખ ધર્મના ધરતીપુત્રો છે. જો કે મોદીની આ મુલાકાત બાદ ઘણાં સોશિયલ મીડિયા યુઝરોએ મોદીને અનુરોધ કર્યો હતો કે, અમને આશા છે કે, હવે વડાપ્રધાન આવી જ રીતે અચાનક દિલ્હી-હરિયાણા બોર્ડરની મુલાકાત લેશે, જ્યાં ખેડૂતો કૃષિ કાયદા સામે દેખાવો કરી રહ્યાં છે. મોદીએ ગુરૂદ્વારાની પોતાની મુલાકાતના તસ્વીરો ટ્વીટર પર શેર કરી, અને લખ્યું હતું કે, આજે સવારે, મે ઐતિહાસિક ગુરૂદ્વારા રકબ ગંજ સાહિબની મુલાકાત લીધી, જ્યાં ગુરૂ તેગ બહાદૂરજીના શરીરની અંતિમવિધિ કરવામાં આવી હતી. હું ખૂબ જ અભિભૂત અનુભવું છું. હું ગુરૂ તેગ બહાદૂરના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થયો છું. કેટલાક યુઝરોએ આ મુલાકાતને આવકારી હતી. જ્યારે ઘણાં યુઝરોએ મોદીને વિનંતી કરી હતી કે, તેઓ આવી રીતે જ સિંધુ બોર્ડરની પણ મુલાકાત લે.
‘મહેરબાની કરીને હવે સિંધુ બોર્ડરની પણ ઓચિંતી મુલાકાત લો’ : PM મોદીએ ગુરૂદ્વારા રકાબ ગંજ સાહિબની અચાનક મુલાકાત લેતાં સોશિયલ મીડિયા યુઝરોની પ્રતિક્રિયા

Recent Comments