(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
પ્રારંભથી વિવાદમાં રહેલી એલઆરબી ભરતી પ્રક્રિયામાં વિલંબ થતાં મહિલા ઉમેદવારોને અન્યાયની લાગણી. વર્ષ ૨૦૧૮-૧૯માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલ એલઆરબી ભરતી પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ અને વિલંબ કારણે રાજ્યની કેટલીક શિક્ષિત બેરોજગાર મહિલા ઉમેદવારોને અન્યાય થયો છે. આ મુદ્દે મહેસાણાની એક સગર્ભા મહિલાએ ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવતાં અદાલતે લોકરક્ષક ભરતી બોર્ડને નોટિસ ફટકારી છે. જેની આગામી મુદત તા.૨૧-૧-૨૦૨૦ના રોજ રાખવામાં આવી છે. રાજ્ય લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેની ફેબુ્રઆરી ૨૦૧૮માં રાખવામાં આવેલ લેખિત કસોટીમાં પેપર ફૂટતાં રદ્દ થઈ હતી. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૧૯માં લેખિત પરીક્ષા થઈ હતી. જેમાં કટઓફ માર્કસ મેળવનાર મહિલા અને પુરુષ ઉમેદવારોને શારિરીક કસોટીમાં બોલાવાયા હતા. પરંતુ કટઓફથી ઓછા માર્ક્સ મેળવનાર ઉમેદવારોને ન બોલાવતા વિવાદ થયો હતો. અને હાઈકોર્ટના આદેશ મુજબ ૨૦ ટકા વેઈટીંગ લીસ્ટ જાહેર કરી આ જગ્યાઓ ભરવા બોર્ડે પ્રક્રિયા શરૂ કરી છે. જનરલ કેટેગરીની ૧૫૭૮ જગ્યાઓ ભરવા ૧૮૨૮ મહિલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે કોલલેટર ઈસ્યુ કરી તા.૨૬ અને ૨૭ ડિસેમ્બરે શારીરિક કસોટી માટે બોલાવાયા હતા. પરંતુ સમગ્ર ભરતી પ્રક્રિયામાં કેટલીક ક્ષતિઓ રહી હોવાની લાગણી બેરોજગાર ઉમેદવારોમાં પ્રવર્તી હતી. તે પૈકી મહેસાણાની શિક્ષિત બેરોજગાર અને સગર્ભા અવસ્થા ધારણ કરનાર ઉમેદવાર નિર્ધારીત તારીખે શારીરિક કસોટીમાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં ન હોઈ તેમણે બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય સમક્ષ રજૂઆત કરી હતી. અહીં ન્યાય નહી મળતાં છેવટે તેમણે હાઈકોર્ટમાં એડવોકેટ ડિમ્પલ ઠાકર દ્વારા દાદ માંગી હતી. અદાલતે આ મામલે લોકરક્ષક ભરતી બોર્ડને નોટીસ ફટકારી હતી અને તેની સુનાવણી આગામી તા.૨૧ જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે. નોંધપાત્ર છે કે સરકાર દ્વારા મહિલાઓને દરેક ક્ષેત્રમાં ૩૩ ટકા અનામત આપવાની વાતો કરે છે ત્યારે પોલીસ ભરતી પ્રક્રિયામાં થયેલા અન્યાય અન્વયે રાજ્યની અનેક શિક્ષિત બેરોજગાર મહિલા ઉમેદવારો ન્યાય ઝંખી રહી છે. અને તેઓને તક આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. અગાઉની ભરતી પ્રમાણે પ્રક્રિયા ન થતાં વિવાદ સર્જાયો. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અગાઉ ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. તે વખતે નિર્ધારીત સંખ્યા કરતાં આઠ ઘણા ઉમેદવારોને ફીજીકલ ટેસ્ટ માટે બોલાવાયા હતા. જેથી ૨૦ ટકા વેઈટીંગના ઉમેદવારોને શારીરિક કસોટીનો વિવાદ સર્જાયો ન હતો. જો તે મુજબ આ વખતે પણ તેમ થયું હોત તો વારંવાર ભરતી પ્રક્રિયા લંબાવવાની જરૂર પડી ન હોત. અને દરેક ઉમેદવારને ન્યાય મળ્યો હોત તેવી લાગણી પ્રવર્તી છે.