મહેસાણા, તા.૮
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં રૂા.ર૮૭ કરોડની પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્તના વિવિધ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં ર૮૭ કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, બે કાયદા એટલે કે વર્ષ ર૦૦૦ પહેલાં કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં માત્ર ૪૭૦૦ ગામોમાં પાણી પૂરવઠા યોજનાઓ હતી. ર૪ ટકા લોકોને નળથી જળ મળતું અને બે બેડા પાણી માટે બહેનોને ગામડે-ગામડે જવું પડતું. જૂથ પાણી પૂરવઠા યોજનાઓની પાઈપલાઈન ભાંગી તૂટી હાલતમાં હોય અને છેવાડાના ગામને તો પાણી જ ન મળતું હોય એવી દશા હતી.
વિજય રૂપાણીએ ૧૯૮૦થી ૯૦ના દાયકામાં રાજ્યમાં પાણીની જે વિકટ સ્થિતિ હતી તેનો ચિતાર આપતા ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં ટ્રેન દ્વારા પાણી, રાજ્યમાં ટેન્કરથી પાણી આપીને ટેન્કર રાજમાં ભ્રષ્ટાચાર થતો. પાણીના અભાવે લોકોને હિજરત કરવી પડતી. નર્મદા કેનાલ, સૌની યોજના, સુજલામ સુફલામ, ધરોઈ, કડાણા, ઉકાઈ જેવા મોટા ડેમ પરની વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ જ દિવસમાં રાજ્યમાં રર૭૬ કરોના કામો પાણી પૂરવઠા-સિંચાઈ માટેના શરૂ કર્યા છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પીવાના પાણી અને સિંચાઈમાં ગુજરાત રાજ્ય આત્મનિર્ભર બને તે દિશામાં મક્કમતાથી આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં શુદ્ધ પીવાનું પાણી પુરતી માત્રામાં આપવા આ સરકાર સંકલ્પબદ્ધ છે.
આ ઉપરાંત વડનગર અને ખેરાલુ તાલુકાના ૯૦ ગામો અને ખેરાલુ તેમજ વડનગર શહેરની રૂા.૩૯.૪ર કરોડની ધરોઈ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.