(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧૫
જૂનાગઢ જિલ્લામાં હાલ ૧પ,૮૩૬ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોના વાયરસની ગંભીર બીમારી સાથે લોકોએ સંપૂર્ણ કાળજી અને પરેજી પાળવી પડશે. તેવી અપીલ જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ કરી છે. જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. આ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ૧૯૦ જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, તો બીજી તરફ ક્વોરન્ટાઈનની સંખ્યા પણ વધતી જઈ રહી છે અને જૂનાગઢ જિલ્લામાં ૧પ,૮૩૬ લોકો ક્વોરન્ટાઈન રહ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના ભેંસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક તબીબ અને તેના સહકર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી અને હાલ બંને સ્વસ્થ છે અને તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે, જ્યારે અન્ય બેમા એક માંગરોળ પંથક અને એક મધુરમ વિસ્તારની એક સોસાયટીના યુવાનનો કોરોના પોઝિટિવ છે અને આ બંને શખ્સો સારવાર હેઠળ છે. માંગરોળ ખાતે ત્રીજા રાઉન્ડની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં આરોગ્ય ટીમ દ્વારા ર૦ ઘર તેમજ અંદાજિત ૭૮ વ્યક્તિઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વ્યક્તિને ફ્લૂના લક્ષણો જણાય આવેલા નથી. આ ઉપરાંત દર્દીના સંપર્કમાં આવેલ કુલ રર વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસેલિટી સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે.