(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. રપ
માંગરોળ તાલુકાના ભાટગામે એક ૧૩ વર્ષિય કિશોરીના અપહરકનો પ્રયાસ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કિશોરીના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત મુજબ માંગરોળ શહેરથી ૧૨ કિ.મી. દૂર આવેલા ભાટગામે સુલતાનપુરના સિમાડે વાછરાદાદાના મંદિરની આગળ હમીરભાઈ બારડની વાડી આવેલી છે. હમીરભાઈ અને તેમના ભાઈઓ સહિત કુલ ૧૭ વ્યક્તિઓ સહકુટુંબ સાથે રહે છે. ગુરૂવારે રાત્રે બધા બાળકો ઘરના આંગણામાં રમી રહ્યા હતા ત્યારે ૯ઃ૩૦થી ૧૦ વાગ્યાની વચ્ચે હમીરભાઈ બારડની પુત્રી સોનલ(ઉ.વ.૧૩) ઘરના પાછળના ભાગે આવેલ ઢાળીયાંમા ગાયને જોવા જતાં ઢાળીયાંના દરવાજામાંથી બુકાનીધારી વ્યક્તિ એ સોનલને ખેંચી લીધી હતી.
રાત્રીના ૧૦ઃ૩૦ વાગ્યે સુવાનું ટાણું થતાં સોનલ ન દેખાતા પરિવારજનો એ વાડી સહિત ચારે કોર શોધખોળ ચાલુ કરી હતી. દરમિયાન ખેતરમાં રાખેલા ચારાના ઢગલા પર ટોર્ચ લાઈટ મારતા ગુણીયાના કોથળામાં કાંઈક બાંધેલું નજરે પડયું હતું. જેમાં તપાસતા સોનલને દોરી વડે હાથ પગ અને ચુંદરીથી મોઢૂ બાંધેલી બેભાન હાલતમાં મળી આવી હતી. કાકા એ સોનલ ને છોડાવી ગાલ પર ટાપલી મારતા ભાનમાં આવી હતી.
સોનલને કેફી પીણું પીવડાવી દીધું હોવાથી સારવાર માટે માંગરોળની શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ માંગરોળ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનલે પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું જ્યારે ગાયને જોવા ગઈ ત્યારે દરવાજામાંથી એક અજાણ્યા બુકાનીધારી વ્યક્તિ એ મને ખેચી લીધી હતી અને મારા મોઢામાં કોઈ બાટલી પીવડાવી દીધી હતી ત્યાર બાદ શું થયું તેની કાંઈ ખબર પડી નહીં. શિફા હોસ્પિટલના મુખ્ય ડોક્ટર શમાને પૂછતાં જણાવ્યું હતું કે આ બાબતે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ કયા પ્રકારનું કેફી પીણું પીવડાવ્યું હતું તેની ખબર પડશે.
માંગરોળ પોલીસના ડીવાયએસપી હરપાલસિંહ જાડેજાની દેખરેખ હેઠળ પીએસઆઇ આર. એમ. ચૌહાણે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી સધન તપાસ હાથ ધરી છે. એક નજરે ફીલ્મી સ્ટોરી જેવી લાગતી આ ઘટના પાછળ પોલીસ કડક પગલાં ભરે તો કાંઇક અલગ પરીણામ આવે તેવી આશંકા વર્તાઈ રહી છે.