માંગરોળ, તા.૯
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પક્ષીઓના મૃતદેહમાંથી બે પક્ષીઓને બર્ડ ફ્લુ હોવાનું ખુલવા પામ્યું છે. તેથી ગુજરાતમાં ફ્લૂનો પગપેસારો થયો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્ર હરકતમાં હોવાનું જાણવા મળે છે અને બર્ડ ફ્લૂની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે માંગરોળ તાલુકાના લોએજ ગામ પાસે ૭૦થી ૮૦ કાગડાઓના ટપોટપ મોત થતા પંથકમાં ફફડાટ ફેલાયો છે. માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય રામભાઈ નંદાણીયાની સોમનાથ-દ્વારકા હાઇવે ઉપર આવેલી હોટલ પાસે આ ઘટના બની છે. ગઈકાલ મોડી સાંજે આકાશમાંથી ટપોટપ પક્ષીઓ પડતા જોવા મળ્યા હતા. જે અંગે રામભાઈ નંદાણીયાએ વન વિભાગને જાણ કરી હતી અને વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી ૧૦ પક્ષીઓના મૃતદેહ લઈને ચાલ્યા ગયા હતા. બાકીના પક્ષીઓના મૃતદેહો ત્યાં જ રાખી મૂકવામાં આવ્યા હતા તેનો હજુ કોઈ સુધી નિકાલ કરવામાં આવ્યા નથી. પક્ષીઓમાં બર્ડ ફ્લૂ છે કે કેમ તે અંગે હજુ સુધી ફલીત થયું નથી પરંતુ તમામ પક્ષીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા જોઈએ તે અંગે તાત્કાલિક ઘટતું કરવા માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય માગણી કરી છે અને આ મૃતદેહો અહીં દાટી દેવાની વાત કરવામાં આવી હતી પરંતુ વનવિભાગનો સ્ટાફ કોઈ કામગીરી કર્યા વગર રવાના થઈ ગયો હતો. જ્યારે કૂતરા બીલાડા કાગડાઓના મૃતદેહોને ચૂથી રહ્યા છે જેને કારણે આવી રીતે બર્ડ ફ્લૂનું સંક્રમણ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં પ્રસરે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.