(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧
માંગરોળ ગ્રામ પંચાયત દફતરે નોંધાયેલ સર્વે નં.૫૮૪ છે. આ નંબરવાળી જમીન ઉપર અગાઉ અનેક બિનઅધિકૃત બાંધકામો કરવામાં આવ્યા છે. પરંતુ અગાઉ પણ આ બિનઅધિકૃત દબાણ પ્રશ્ને ફરિયાદો થઈ હતી ત્યારબાદ તત્કાલિન સુરતના જિલ્લા કલેક્ટરે કેટલાક નીતિ-નિયમો અને શરતોને આધિન આ જમીન રેગ્યુલાઈઝ કરી હતી. સાથે તેની કિંમત ગણીએ રકમ પણ સરકારની તિજોરીમાં જમા કરાવી હતી. આ જમીનમાં એક મકાન બારડોલી હળપતિ સેવા સંઘના નામનું હતું. પરંતુ થોડા સમય અગાઉ આ મકાન અન્ય વ્યક્તિને વેેચાણ કરાયું હતું. પરંતુ પાછળથી સુરતના તત્કાલિન જિલ્લા કલેક્ટરના ધ્યાન ઉપર આવ્યું કે, આ ટ્રસ્ટને ફાળવવામાં આવેલ જમીન ૭૩એએની છે. જેથી સુરત જિલ્લા કલેક્ટરે દસ્તાવેજની નોંધ રદ કરતો હુકમ કર્યો હતો. ત્યારબાદ હાલમાં આ જમીન ઉપર શોપીંગ સેન્ટરનું બાંધકામ શરૂ કરાતાં જાગૃત નાગરિકે આ પ્રશ્ને છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરતા મહેસૂલ ખાતું હરકતમાં આવી ગયું છે અને આ પ્રશ્ને માંગરોળના મામલતદાર કે.ડી.કોળી બાંધકામ કરનારને એક નોટિસ ફટકારી બાંધકામ અટકાવી દેવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ કરવાની મંજૂરી પણ આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. નોટિસ બાદ મહેસૂલ વિભાગ કેવા પગલાં ભરે છે. એની રાહ સૌ પ્રજાજનો જોઈ રહ્યા છે.