(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર
વિવિધ માગણીઓ પ્રશ્ને આદિવાસી બચાવ અભિયાન સમિતિ ગુજરાત દ્વારા માંગરોળ તાલુકાના મામલતદાર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજી એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને આપવામાં આવ્યું છે.
રાજ્યના રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે માંગરોળ વિસ્તારના ખેડૂતોને ખેતીવિષયક વીજપુરવઠો દશ કલાક મળવો જોઈએ સાથે જ ખેડૂતોને પોતાના ખેતરમાં બાંધકામ કરેલ રૂમોમાં સિંગલ ફેઈઝ વીજપુરવઠો આપવામાં આવે સરકારે ગામડાઓમાં કાર્યરત દૂધમંડળીઓને ઈન્કમટેક્ષની જે નોટિસો આપવામાં આવી છે એ પરત ખેંચવી, આ વિસ્તારના ખેડૂતો મહામુસીબતે કપાસ, મગફળી, શાકભાજી વગેરે પાકોનું વાવેતર કરે છે પરંતુ એમને પૂરતા પ્રમાણમાં ભાવો મળતા નથી. આ વિસ્તારમાં ગાયકવાડના શાસનમાં શરૂ કરાયેલ નેરોગેજ રેલવે લાઈન બંધ કરી છે તેને પુનઃ શરૂ કરવામાં આવે, આદિવાસી વસ્તી ધરાવતા માંગરોળ તાલુકામાં કોંગ્રેસના શાસનમાં ટીવી રીલે કેન્દ્ર કાર્યરત કરાયું હતું જે તા.૩૧/૧/૧૮થી બંધ કરી દેવાયું છે. જેને પુનઃ કાર્યરત કરવું, આદિવાસીઓની ખાલી પડેલ સરકારી વિભાગની જગ્યાઓ તાકીદે ભરવામાં આવે એવી માંગ કરાઈ છે.ખેતી વિષયક વીજ પુરવઠાનો પ્રશ્ન હલ નહીં કરાય તો જિલ્લાભરના તમામ વીજ સબ સ્ટેશનો ઉપર ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે રમણભાઈ ચૌધરી, અરવિંદ ચૌધરી, રાયસિંગ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.