માંગરોળ, તા.૧૬
માંગરોળનું અર્બન હેલ્થ સેન્ટર શહેર છોડી બંદર પર બનાવવાની તજવીજ હાથ ધરાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. માંગરોળ ખાતે ૨૦૦૪ના વર્ષમાં સરકારી હોસ્પિટલના પાછળના ભાગે અર્બન હેલ્થ સેન્ટરની શરૂઆત થયેલી ત્યારબાદ ઈન્દિરાનગર વિસ્તારમાં અને પછી તાલુકા હેલ્થ ઓફિસર સેક્રેટરીએટ પાસે હેલ્થ સેન્ટર ખેંચી લાવેલા. પરંતુ આ વિસ્તાર ઓફિશિયલ વિસ્તાર હોય અહીં કોઈ ખાસ રહેણાંક વિસ્તાર પણ ન હોય એટલે સરકારની ગાઈડલાઈન મુજબ કાયમી ધોરણે અર્બન હેલ્થ સેન્ટર ઊભું કરવા છેલ્લા પાંચ વર્ષથી કવાયત ચાલુ હતી. અનેકવાર માગણીઓ છતાં પાલિકાએ આટલા વર્ષમાં શહેરમાં કયાંય જગ્યા ફાળવી નહીં. માંગરોળ પાલિકામાં છેલ્લાં બે ટર્મથી ભાજપ કોંગ્રેસની ભાગીદારીથી શાસન ચાલે છે ત્યારે રાજકીય દાવપેચ માં અટવાયેલી માંગરોળ પાલિકાની નિષ્ક્રિયતાના પગલે અર્બન હેલ્થ સેન્ટર બંદર પર જતું રહેવાની આરે ઊભું છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલતા આ પ્રકરણમાં ફક્ત અને ફક્ત પાલિકા દ્વારા શહેરમાં જગ્યા ના ફાળવવાના કારણે છેક બંદર પર હેલ્થ સેન્ટર બંધાવા જઈ રહ્યું છે. આ બાબતે આરોગ્ય કમિશનરે અપ્રુવલ પણ આપી દીધું છે અને ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ માંગરોળ શહેરની ૭૦ હજારથી વધારે વસ્તીને અવગણીને ફક્ત ૮થી ૧૦ હજારની વસ્તી ધરાવતા બંદર પર હેલ્થ સેન્ટર બાંધવુ ઘણાં સવાલો ઊભા કરે છે. બંદર પર હેલ્થ સેન્ટર ઊભું થવાથી ફક્ત એક જ સમુદાયના લોકો પૂરતુ સિમિત થઈ જાશે જ્યારે બીજીબાજુ શહેરની બહોળી સંખ્યાના લોકો અર્બન હેલ્થ સેન્ટરની સેવાથી વંચિત રહી જાશે. શહેરના બંદર ઝાપા, મિઠી વાવ, ઈન્દિરાનગર, મકતુપૂર ઝાપા, વણકરવાસ, રબારી વાળા, નાગદા બહાર કોટ જેવા અનેક સ્લમ એરીયાઓને અવગણીને બંદર પર અર્બન સેન્ટર માટે એપૂર્વલ મળી જવામાં તાલૂકા હેલ્થ ઓફિસર, મામલતદાર અને ડીડીઓ ની ભૂમિકા પર પણ સવાલો ઊઠે છે. ત્યારે માંગરોળ શહેરની બહોળી ગરીબ વસ્તીને ધ્યાનમાં રાખીને શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
Recent Comments