(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૫
ભાજપ સરકારની પ્રજા-ખેડુત વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ‘લોકશાહી બચાવો – ખેડૂતોના દેવા માફી’ મુદ્દે ધારણા પ્રદર્શન કરવામાં આવેલ. જેના પગલે માંગરોળ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ મંત્રી અને માંગરોળ ના માજી ધારાસભ્ય ડો. ચંદ્રીકાબેન ચુડાસમા એ આ બાબતે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, સમસ્ત ગુજરાત નો ખેડૂત કંગાળ થઈ ગયો છે. ભાજપ સરકારે મગફળીનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ખેડૂત ને કરજવાન કરી દીધો છે. માંગરોળ તાલુકો માત્ર ખેતી આધારિત છે. માંગરોળ બંદર મા પણ ભાજપ ધર્મ આધારિત ભાગ પાડીને વિકાસ ની પ્રક્રિયા કરી રહ્યા છે ત્યારે મારે ભાજપ ને કહેવું છે કે વિકાસ એક સરખો હોય, ધર્મ સાથે જોડાયેલો વિકાસ ના હોય. માંગરોળ મા બંદર પર જેટી બને તો શેરીયાજ બારામાં પણ જેટી બને એવી પણ અમારી લાગણી અને માંગણી છે.