માંગરોળ,તા.ર૦
માંગરોળ ખાતે સોશિયલ મીડિયા પર કોળી સમાજની લાગણી દુભાવતો વીડિયો વાયરલ થતા કોળી સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
માંગરોળનાં પોલીસ સ્ટેશનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો પ્રદ્યુમનની ઉર્ફે મુન્નાભાઈએ ગત રોજ વોટસએપ પર કોળી સમાજની બહેન-દીકરીઓ વિશે અભદ્ર-ભાષામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેનાં પરિણામે કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
આજ રોજ બપોરના માંગરોળ ખાતે કોળી સમાજના લોકોના ટોળેટોળા રસ્તાઓ પર ઉમટી પડયા હતા. નગરના ટાવર પાસેથી લઈ બાયપાસ સ્વામીનારાયણ ગેટ સુધી રસ્તાઓ પર પથ્થરો, બેલાઓ ટાયરો અને ફોડીંગસો નાખી રસ્તો બંધ કરી દીધો છે. જયારે કેશોદ રોડ પર પોરબંદર બાયપાસ રોડની ચોકડી પર ટોળેટોળા ઉમટી પડી ચક્કાજામ કરી બંને રોડ બંધ કરી દીધા હા. બપોરના બે વાગ્યાથી અત્યાર સુધી રોડ બંધ પડયા છે. જેના લીધે કેશોદ રોડે અને પોરબંદર બાયપાસ રોડ પર વાહનોના જથ્થાઓ લાગી ગયા છે. તમામ પ્રકારનો વાહન વ્યવહાર ખોરવાઈ જતા જનજીવન પર માઠી અસર સાથે શહેરમાં ભયની લાગણી પ્રવર્તે છે.
માંગરોળ પોલીસના ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા, પીએસઆઈ રાઠોડ હેડ. કો. સુરેશ ડાફડા સહિતનો સ્ટાફ બાયપાસ રોડ પર દોડી ગયો હતો અને ટોળાને સમજાવવાની કોશિશ કરેલ પરંતુ ટોળાએ ડીવાયએસપીનો પણ હુરિયો બોલાવતા ડીવાયએસપી પણ જતા રહ્યા હતા અને જિલ્લાની પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સતત ચાર કલાકથી નેશનલ હાઈવે બંધ રહેતા અને પરિસ્થિતિ કાબુમાં ન આવતા માંગરોળ, શિલ, કેશોદ સહિત જિલ્લાની પોલીસના કાફલા માંગરોળ દોડી આવ્યા છે. માંગરોળના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી બાબુભાઈ વાજા, માજી કેબિનેટ મંત્રી ચંદ્રીકાબેન ચુડાસમા સહિતના આગેવાનો દોડી આવેલ અને લોકોને સમજાવટ કરવાની કોશિશ કરેલ. હાલ બાબુભાઈ વાજા, ચંદ્રીકાબેન ચુડાસમા અને કોળી સમાજનાં આગેવાનો માંગરોળ પોલીસ સ્ટેશને દોડી ગયા છે. જયાં હાલ મીટિંગ ચાલુ છે. રસ્તા પરથી લોકોના ટોળા પણ પોલીસ સ્ટેશને ભેગા થયા છે. હાલ અત્યારે રસ્તાઓ ખુલતા વાહન વ્યવહાર ચાલુ થયો છે.
હરપાલસિંહ જાડેજા (ડીવાયએસપી)એ મીડિયાને જણાવ્યું કે આરોપીને ચાર કલાક પહેલા જ અટક કરી લીધી છે અને તેની પર કાયદાના ધોરણે સખ્ત કાર્યવાહી કરવાની ખાતરી આપી.
પરિસ્થિતિ કેમ વણસી ?
માંગરોળ કોળી સમાજના આગેવાન રામજી ચુડાસમાએ એવો આક્ષેપ કર્યો છે કે, અમો માંગરોળ પોલીસમાં મુન્ના વિરુધ્ધ ફરિયાદ કરવા ગયેલા પરંતુ અમને તેમના વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવાનો સંતોષકારક જવાબ ન મળતા પરિસ્થિતિ વણસી છે.
કોળી સમાજમાં લોકોની માંગ
કોળી સમાજના લોકોએ મધ્યસ્થી કરવા આવેલ પોલીસ સમ માગ કરેલ કે, મુન્નાને માથે અડધુ મુંડન કરાવી સરઘસ કાઢી જાહેરમાં સરભરા કરવાની માગ કરી હતી. જે બાબતે પોલીસે સમજાવટ કરેલ પરંતુ વાત ન બનતા લોકોએ હુરિયો બોલાવતા ડીવાયએસપી ઘટના સ્થળેથી જતા રહ્યા હતા. પ્રદ્યુમન ઉર્ફે મુન્નાભાઈ કે જેમણે વીડિયો વાયરલ કર્યો છે. તે અગાઉ પણ દારૂની તસ્કરીમાં બેથી ત્રણ વાર પૂર્વ ડીવાયએસપી વાઘેલાએ અટક કરી હતી. મુન્નાએ પાછળથી બીજો વીડિયો અપલોડ કરી કોળી સમાજથી માફી પણ માગી છે.